ડેપ્યુટી સ્પીકર પાસે શું હોય છે અધિકાર, કેમ કરી રહી છે કોંગ્રેસ આ પદની માંગ?
દિલ્હી, 28 જૂન: દેશની 18મી સંસદમાં સ્પીકરની પસંદગી કરવામાં આવી છે. ઓમ બિરલા ફરી એકવાર સ્પીકર તરીકે ચૂંટાયા છે. જો કે, હજુ સુધી ડેપ્યુટી સ્પીકરની પસંદગી થઈ નથી અને કોંગ્રેસ ઈચ્છે છે કે વિપક્ષી સાંસદને આ પદ આપવામાં આવે. આ પદ 17મી લોકસભા (2019-2024)માં ખાલી રહ્યું હતું, પરંતુ આ વખતે કોંગ્રેસ તેમના એક નેતાને ડેપ્યુટી સ્પીકર બનાવવા પર અડગ છે. ચાલો જાણીએ કે ડેપ્યુટી સ્પીકર પાસે શું સત્તા છે. આ પદ કેમ મહત્વનું છે, ડેપ્યુટી સ્પીકર ક્યારે ચૂંટાય છે અને ડેપ્યુટી સ્પીકર કોણ બની શકે છે?
ડેપ્યુટી સ્પીકરને શું સત્તા હોય છે?
સ્પીકરની ગેરહાજરીમાં, ડેપ્યુટી સ્પીકર તેમની ફરજો સંભાળે છે અને સ્પીકરની તમામ સત્તાઓ ધરાવે છે. જો સ્પીકર રાજીનામું આપે છે, તો તે પોતાનું રાજીનામું ડેપ્યુટી સ્પીકરને જ સુપરત કરે છે. જો કોઈ મુદ્દાની તરફેણમાં અને વિરૂદ્ધમાં પડેલા મત સમાન હોય તો સ્પીકરની જેમ ડેપ્યુટી સ્પીકરના મત પણ નિર્ણાયક હોય છે.
કેવી રીતે કરવામાં આવી સ્પીકરની પસંદગી?
લોકસભા અધ્યક્ષ માટે સત્તાધારી NDA ગઠબંધનએ ઓમ બિરલાનું નામ આગળ રાખ્યું હતું અને વિપક્ષી ઈન્ડી ગઠબંધન દ્વારા કે સુરેશનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું. જો કે, સ્પીકરની પસંદગી ધ્વનિ મતથી જ કરવામાં આવી હતી અને મતદાન કરવાની કોઈ જરુર પડી ન હતી. ચૂંટણી બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું કે તેઓ સહકારની ભાવનાથી કામ કરવા અને વિપક્ષની ભૂમિકા ભજવવા માંગે છે. આ કારણથી તેઓએ સ્પીકરની પસંદગીમાં પણ મામલો વોટિંગ સુધી જવા દીધો ન હતો. આવી સ્થિતિમાં હવે વિપક્ષ ઈચ્છે છે કે ડેપ્યુટી સ્પીકરનું પદ તેમને આપવામાં આવે. જો કે, ડેપ્યુટી પદ માટે જો મતદાન થશે તો ડેપ્યુટી પદ પણ એનડીએ પાસે જશે કેમ કે સંસદમાં એનડીએ પાસે બહુમતી છે. પરંતુ જો શાસક પક્ષ ડેપ્યુટી સ્પીકર માટે પોતાનો ઉમેદવાર નહીં ઉતારે તો આ પદ વિપક્ષ હાથમાં જશે.
ચૂંટણી ક્યારે યોજાશે?
બંધારણ મુજબ નવી સરકારે શક્ય તેટલી વહેલી તકે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની પસંદગી કરવી જોઈએ. જો કે, આ માટે કોઈ લેખિત સમય મર્યાદા નથી. આ કારણથી ગત ટર્મમાં એનડીએ સરકારે ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી રાખ્યું હતું. વિપક્ષોએ આની માંગણી કરી હતી, પરંતુ એનડીએ તેના પર સહમત નહોતું. તેથી તે પદ ખાલી પડ્યું રહ્યું હતું.
આ પણ વાંચો: માયાવતીએ સેંગોલ મુદ્દે સપા પર કર્યા આકરા પ્રહારો, કહ્યું- ‘તેમની રણનીતિથી સાવધાન રહેજો’