કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત
રાજકોટમાં રૂપિયાની ઉઘરાણીમાં ધોકા ઉલળ્યા, ફાયરીંગ થયું
રાજકોટ શહેરના ઢેબર રોડ પરના વિરાણી અઘાટ વિસ્તારમાં શનિવારે રાત્રે દશેક વાગ્યે રૂ.35 હજારની ઉઘરાણી મામલે ચાલતી તકરારમાં સમાધાન માટે એકઠા થયેલા બે જૂથે સામસામે હુમલો કર્યો હતો, એક જૂથે ફાયરિંગ કર્યા હતા તો બીજું જૂથ ધોકા, પાઇપથી તૂટી પડ્યું હતું, પોલીસે બંને જૂથના 12 શખ્સ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
કારખાનેદાર ફઈના દીકરાના કારખાને બેસવા માટે ગયો હતો
મળતી માહિતી મુજબ શહેરના કરણપાર્કમાં રહેતા કારખાનેદાર કેયૂર રસિકભાઇ લુણાગરિયા (ઉ.વ.38)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, શનિવારે રાત્રે પોણાદશેક વાગ્યે તે તેના ફઇના દીકરા પ્રતિક ટોપિયાના વિરાણી અઘાટ વિસ્તારમાં આવેલા કારખાને બેસવા ગયો હતો ત્યારે પ્રતિક દિનેશ ટોપિયા, પ્રતિક ગઢિયા, હાર્દિક સોજીત્રા અને મીત સોરઠિયા કારખાના બહાર બેઠા હતા તે વખતે ચિરાગ કાનજી પોકિયા, રૂચિત, વસીમ, અક્ષય, રાહિલ અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને બંને જૂથ વચ્ચે ઝપાઝપી થતાં ચિરાગે પોતાની પાસે રહેલી પિસ્ટલમાંથી ફાયરિંગ કરતાં કેયૂરના સાથળ અને બેઠકના ભાગે ગોળી ખૂંપી ગઇ હતી. ઘવાયેલા કેયૂરને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
લગ્નના ડેકોરેશનના બાકી રૂપિયા માટે સમાધાન કરવા ગયા હતા
સામાપક્ષે પુનિત સોસાયટીમાં રહેતા કારખાનેદાર ચિરાગ કાનજીભાઇ પોકિયા (ઉ.વ.26)એ વળતી ફરિયાદ નોંધાવી હતી. ચિરાગે ફરિયાદમાં કહ્યું હતું કે, તેના મિત્ર વત્સલના મે મહિનામાં લગ્ન થયા હતા તેના લગ્નનું ડેકોરેશન પ્રતિક દિનેશ ટોપિયાએ કર્યું હતું, જેના રૂ.35 હજારના લેણા બાબતે પ્રતિક પઠાણી ઉઘરાણી કરતો હતો અને જે બાબતે સમાધાન કરાવવા પોતે તથા તેના મિત્રો ગયા હતા પરંતુ ત્યાં પહોંચતા જ કોઇપણ વાતચીત કર્યા વગર દિવ્યરાજ, મીત, કેયૂર લુણાગરિયા, હાર્દિક સોજીત્રા, પ્રતિક ગઢિયા અને પ્રતિક દિનેશ ટોપિયા ધોકાથી તૂટી પડ્યા હતા.
ગુનામાં સંડોવાયેલા છ શખ્સોની પોલીસે કરી ધરપકડ
દરમ્યાન આ સામસામે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ભક્તિનગર પોલીસે ફાયરીંગના ગુનામાં અક્ષય અરવિંદભાઇ ગજેરા (ઉ.26) રહે. રામ પાર્ક-1, હરિ ધવા રોડ), રાહિલ રમેશભાઇ ગજેરા (ઉ.22-રહે. વિક્રાંતિનગર-4, હરિ ધવા રોડ) તથા ધોકાવાળી કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં પ્રતિક દિનેશભાઇ ટોપીયા (ઉ.30-રહે. ચંપકનગર-4 પેડક રોડ), પ્રતિક ભવાનભાઇ ગઢીયા (ઉ.25-રહે. રામરણુજા સોસાયટી-1 કોઠારીયા રોડ), મીત નરેન્દ્રભાઇ સોરઠીયા (ઉ.21-રહે. એ. પી. પાર્ક-3, 150 રીંગ રોડ) મળી છ આરોપીને પક્ડયા છે.
બે આરોપી હોસ્પિટલમાં, ચારની શોધખોળ
આ ગુનામાં અન્ય બે આરોપીમાં હાર્દિક સોજીત્રા ફરાર છે જ્યારે કેયુર રસિકભાઇ લુણાગરીયા મધુરમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ફાયરીંગના ગુનામાં રૂચીત, વસીમને પકડવાના બાકી છે અને ચિરાગ પોકીયા વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ છે. પીઆઇ એલ. એલ. ચાવડા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ એચ. એન. રાયજાદા તથા ભક્તિનગર, ડીસીબી, એસઓજીની ટીમે આરોપીઓને પકડયા હતાં.