NEET કૌભાંડઃ CBIએ 6 વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના માલિકની પૂછપરછ શરૂ કરી
ગોધરા, 27 જૂન 2024, શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત NEETની પરીક્ષાને લઈને આજે ગોધરા સર્કિટ હાઉસ ખાતે CBI દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. આ સાથે CBIની ટીમ દ્વારા જય જલારામ સ્કૂલના માલિકનું નિવેદન લેવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.
ડોક્યુમેન્ટ એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી
ગોધરા શહેરમાં NEET કૌભાંડ મુદ્દે ગત સોમવારથી CBIની ટીમે દ્વારા ગોધરામાં ધામા નાખ્યા હતા. પંચમહાલ પોલીસ પાસેથી 6 જેટલી ફાઇલ અને 1000 પાનાના ડોક્યુમેન્ટ એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં CBIની ટીમ દ્વારા ડોક્યુમેન્ટ સ્ટડી કરવામાં આવ્યા હતાં. સતત બે દિવસ સુધી જરૂરી ડોક્યુમેન્ટને સ્ટડી કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ત્રીજા દિવસે ગોધરા શહેર અને થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે CBI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જય જલારામ સ્કૂલમાં સીબીઆઇ દ્વારા જ્યાં નીટની પરીક્ષા જે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ આપી હતી તે ક્લાસ રૂમના બેઠક વ્યવસ્થાની નિરીક્ષણ કર્યું હતું.
પૂછપરછ દરમિયાન કોઈ કડી બહાર આવવાની શક્યતાઓ
આજે ચોથા દિવસે ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા કુલ 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં CBI દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં લેવાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને પાસ કરાવવાના બહુચર્ચિત પ્રકરણમાં CBI દ્વારા એક બાદ એકના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જય જલારામ સ્કૂલના માલિકને પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યો હતો. આ પૂછપરછ દરમિયાન કોઈ કડી બહાર આવવાની શક્યતાઓ છે.
આ પણ વાંચોઃપંચમહાલમાં રૂ.500ની નકલી ચલણી નોટો સાથે 2 લોકોની ધરપકડ કરાઇ