હાડકાંને મજબૂત કરવા હશે તો ફક્ત કેલ્શિયમથી નહીં ચાલે, સાથે જોઈએ આ પણ!
- સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હાડકાંની મજબૂતાઈ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. હા એ વાત તો સાચી જ છે, પરંતુ ફક્ત કેલ્શિયમથી પણ કામ નહીં જ ચાલે. આ માટે વિટામિન ડી પણ પૂરતું હોવું જોઈએ
શરીરની મજબૂતાઈ માટે હાડકાંનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે હાડકાં નબળાં પડી જાય છે, ત્યારે આખા શરીરના બંધારણને નુકસાન થાય છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હાડકાંની મજબૂતાઈ માટે કેલ્શિયમ ખૂબ જ જરૂરી છે. હા એ વાત તો સાચી જ છે, પરંતુ ફક્ત કેલ્શિયમથી પણ કામ નહીં જ ચાલે. આ માટે વિટામિન ડી પણ પૂરતું હોવું જોઈએ. જો વિટામિન ડીની કમી હશે તો શરીરમાં કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ હોવા છતાં પણ તે હાડકાં સુધી નહીં પહોંચી શકે. જો શરીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય, પરંતુ વિટામિન ડી ન હોય તો હાડકાં મજબૂત થવાને બદલે તે નબળાં પડવા લાગે છે.
જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો તે ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. આ ખાસ કરીને હાડકાં માટે મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે વિટામિન ડી શરીરમાં શા માટે જરૂરી છે અને તેના વિના હાડકાં કેમ નબળાં થવા લાગે છે.
વિટામિન ડી શા માટે છે મહત્ત્વનું?
જ્યારે કેલ્શિયમ હાડકામાં શોષાય છે ત્યારે આપણા શરીરમાં હાડકાં મજબૂત બને છે. જ્યારે વિટામિન ડીની હાજરી હોય ત્યારે કેલ્શિયમ શરીરમાં સંપૂર્ણ રીતે શોષાય છે. વિટામિન ડી હાડકાંમાં કેલ્શિયમને શોષવામાં મદદ કરે છે. વિટામિન ડીની ગેરહાજરીમાં, કેલ્શિયમ શરીરમાં સંપૂર્ણ રીતે શોષાતું નથી. વિટામિન ડીની કમી હોય તો અનેક પ્રકારના કેલ્શિયમ રિચ ફૂડ કે કેલ્શિયમની ટેબ્લેટ લેવી નકામી છે. આ જ કારણથી હવે ડોક્ટર્સ હાડકા રિલેટેડ કોઈ સમસ્યામાં કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડીની ટેબલેટ પણ આપે છે.
કેલ્શિયમનું શોષણ ન થવાથી શું થઈ શકે?
કેલ્શિયમનું શોષણ ન થવાથી ઘણી મોટી સમસ્યાઓ થઈ શકે છે. તેના કારણે સાંધામાં કેલ્શિયમ જમા થઈ શકે છે અને દુખાવો થાય છે. આ સિવાય બીજી ઘણી સમસ્યાઓ પણ ઊભી થાય છે. આવી સ્થિતિમાં ફક્ત કેલ્શિયમથી નહીં ચાલે, સાથે વિટામિન ડી હાડકાં માટે ખૂબ જ જરૂરી છે.
વિટામિન ડીના અન્ય ફાયદા
રોગપ્રતિકારક શક્તિ
વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિને ચેપ સામે લડવામાં મદદ કરે છે. તે રોગપ્રતિકારક કોષોનું ઉત્પાદન અને કાર્ય વધારે છે. વિટામિન ડીની ઉણપ વારંવાર ચેપ અને ઑટોઈમ્યુન બીમારીઓનો ખતરો વધારે છે.
સ્નાયુઓની મજબૂતાઈ
વિટામિન ડી સ્નાયુઓની મજબૂતાઈ અને કાર્યને જાળવી રાખવામાં મદદ કરે છે. તે માંસપેશીઓમાં પ્રોટીન સિંથેસિસ (સંશ્લેષણ)ને વધારે છે અને સ્નાયુ કોષોને નુકસાનથી બચાવે છે. વિટામિન ડીની ઉણપ સ્નાયુઓની નબળાઈ, દુખાવો અને થાકનું કારણ બની શકે છે.
બ્રેઈન હેલ્થ
મગજના આરોગ્ય અને કાર્યમાં વિટામિન ડી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે મગજના કોષોને નુકસાનથી બચાવે છે અને મૂડ તેમજ કાર્યપ્રણાલીને સુધારવામાં મદદ કરે છે. વિટામિન ડીની ઉણપ ડિપ્રેશન, અલ્ઝાઈમર અને મગજની અન્ય બીમારીઓનું કારણ બને છે.
આ પણ વાંચોઃ વરસાદમાં ચા સાથે ભજિયાંનો નાસ્તો પડી શકે છે ભારે, થઈ શકે છે આ બીમારી