અમદાવાદઃ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે રાજ્યની મેડિકલ કે અન્ય શાખાની કોલેજમાં બની રેગિંગની ઘટના પરંતુ આજે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં રેગિંગની ઘટના બની છે. ધોરણ -9 માં ભણતા વિદ્યાર્થીને ધોરણ-12ના વિદ્યાર્થીઓ ટીંગા ટોળી કરી બાથરૂમમાં લઇ ગયા હતા અને ત્યાં બળજબરીથી યુરિન પીવડાવવાનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. રેગિંગની આ ઘટના મુદ્દે વાલીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી પગલા લેવાની માગ કરી છે.
વાલીના શબ્દોમાં સમગ્ર ઘટના વિશે જાણોઃ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે, તાજેતરમાં સ્કૂલમાં વાર્ષિક સમારોહ હતો તે દિવસે શિક્ષકો અને સ્ટાફ તેમાં વ્યસ્ત હતા ત્યારે ધો.12ના ત્રણ વિદ્યાર્થીઓ ધો.9ના કેટલાક વિદ્યાર્થીઓને જુદી જુદી રીતે હેરાન કરતા હતા. દરમિયાન મારા બાળક દ્વારા ભૂલથી આ વિદ્યાર્થીઓ પર પાણી પડી ગયુ અને ત્યારબાદ ધો.12ના વિદ્યાર્થીઓ મારા બાળકને ઉંચકીને બાથરૂમમાં લઈ ગયા હતા. જ્યાં તેઓએ મારા બાળકને જબરદસ્તી યુરિન પીવડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે એ ત્રણેય વિદ્યાર્થીઓના હાથમાંથી છટકીને બાળક ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ અમને અન્ય વિદ્યાર્થીઓ પાસેથી થઈ હતી અને ત્યારબાદ અમે અમારા બાળકને પુછતા તેણે અમને સમગ્ર ઘટના જણાવી હતી. અમે આ બાબતે સ્કૂલનો સંપર્ક કર્યો હતો પરંતુ સ્કૂલ દ્વારા આ ઘટનાને દબાવી દેવાનો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે. અમે સીસીટીવી ફુટેજ બતાવવાની માંગ કરી પરંતુ તે પણ નથી બતાવ્યા. અંતે અમે પોલીસને ફરિયાદ કરી અને ત્રણેય વિદ્યાર્થીઓ પાસેથી માફી પત્ર લખાવવાની સ્કૂલ સમક્ષ માંગણી કરી છે. જેથી કરીને ફરીથી અન્ય કોઈ બાળક સાથે આ પ્રકારની ઘટના ન બને.
આ ઘટના બહાર આવવાથી શાળાની બદનામી થવાના ભયથી આચાર્ય સતત આ ઘટના ન બની હોવાનું વાગોળ્યા કરે છે. અને સમગ્ર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ શાળા તરફથી કરવામાં આવી રહ્યો છે. અન્ય બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ વાલીઓ આ મુદ્દે કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પી.આઈએ જણાવ્યું કે અમને અરજી મળી છે અને અમે તપાસ શરૂ કરી છે. ફરીયાદ કરનાર વાલીના બાળક અને જે ત્રણ વિદ્યાર્થી સામે ફરિયાદ છે તેઓ સહિત સ્કૂલના સ્ટાફને નિવેદન આપવા માટે જાણ કરી છે. સ્કૂલના આચાર્યનો આ બાબતે સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.