સેમીફાઈનલમાં હાર્યા પછી પણ અફઘાનિસ્તાન પર થશે પૈસાનો વરસાદ, જાણો કેટલી મળશે રકમ
- અફઘાનિસ્તાનની ટીમને સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી પણ ટીમને કરોડો રૂપિયા મળશે
HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન: અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટે હારી ગઈ છે. આ મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. પરંતુ સેમી ફાઈનલ મેચ સિવાય અફઘાનિસ્તાન ટીમે સમગ્ર T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહી છે. ટીમ ભલે સેમીફાઈલની મેચ જીતવામાં સફળ ન રહી હોય, પરંતુ તે પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતવામાં સફળ રહી છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી ટીમોને પણ અફઘાનિસ્તાનની ટીમે હરાવી બતાવી
અફઘાનિસ્તાને તેના ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવી હતી. આ પછી, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિની સામે જીત નોંધાવીને ટીમે સુપર-8 રાઉન્ડમાં સ્થાન મેળવ્યું હતું. જ્યાં અફઘાનિસ્તાનની ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને ભારત જેવી ટીમો સામે થયો હતો. બધા માની રહ્યા હતા કે આ ગ્રુપમાંથી ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ સેમી ફાઇનલમાં પહોંચશે. પરંતુ અફઘાનિસ્તાનની ટીમે તમામ સમીકરણો અને આંકડાઓને ખોટા સાબિત કરી સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રને હરાવતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, તેઓએ બાંગ્લાદેશની ટીમને 8 રનથી હરાવી અને પ્રથમ વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. અફઘાનિસ્તાન જેવી ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું કોઈ ચમત્કારથી ઓછું ન હતું.
સેમીફાઈનલમાં હાર્યા પછી પણ અફઘાનિસ્તાનને મળશે કરોડો રુપિયા
આ વખતે ICC T20 વર્લ્ડ કપ માટે કુલ 11.25 મિલિયન ડોલરની ઈનામી રકમનું વિતરણ કરશે. જે ભારતીય રૂપિયામાં 20.36 કરોડ રૂપિયા છે. સેમિફાઇનલમાં હારનાર ટીમને 6.55 કરોડ રૂપિયા મળશે. આ સિવાય ટીમને ફાઈનલ અને સેમીફાઈનલ મેચ સિવાય દરેક મેચ જીતવા બદલ 25.9 લાખ રૂપિયા મળશે. હવે અફઘાનિસ્તાન ટીમ સેમીફાઈનલમાં હારી ગઈ છે તો તેને 6.55 કરોડ રૂપિયા મળશે. ટીમે સેમિફાઇનલ સુધીમાં કુલ પાંચ મેચ જીતી છે. તેથી ટીમને પાંચ મેચ જીતવા પર 129.5 લાખ રૂપિયા મળશે. આ રીતે અફઘાનિસ્તાનને T20 વર્લ્ડ કપમાં કુલ 7.84 કરોડ રૂપિયા ઈનામી રકમ તરીકે મળશે.
દક્ષિણ આફ્રિકા સામે મળી હાર
અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે સારું પ્રદર્શન કરી શકી ન હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાન માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી દક્ષિણ આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો અને અફઘાનિસ્તાન ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવીને પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું