અરવિંદ કેજરીવાલના પત્નીએ ટ્વિટ કરી ભડાસ કાઢી, કહ્યું…
- ED બાદ હવે CBIએ દારૂ કૌભાંડના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પોતાની પકડ વધુ કડક કરી છે. કેજરીવાલની ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા હવે ગુસ્સામાં જોવા મળી રહ્યા છે
દિલ્હી, 27 જૂન: લિકર પોલિસી કૌભાંડના આરોપી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ED બાદ હવે CBIના રિમાન્ડ રૂમમાં પહોંચ્યા છે. CBI દ્વારા દિલ્હીના સીએમની ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા કેજરીવાલ ગુસ્સે છે. તેમણે કેજરીવાલની ધરપકડને તાનાશાહી ગણાવી છે. સુનીતા કેજરીવાલે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘અત્યાર સુધી મારી પ્રાર્થના હંમેશા એ જ રહી છે કે ભગવાન દરેકને સદબુદ્ધિ આપે. પરંતુ હવે પ્રાર્થનાએ થશે કે તાનાશાહીનો નાશ થવો જોઈએ.’
अभी तक हमेशा यही प्रार्थना रही है कि ईश्वर सबको सदबुद्धि दे। लेकिन अब प्रार्थना रहेगी कि तानाशाह का विनाश हो।
— Sunita Kejriwal (@KejriwalSunita) June 27, 2024
સુનીતાએ અગાઉ પણ કર્યું હતું ટ્વિટ
અગાઉ પણ સુનીતાએ એક પોસ્ટ લખીને કેજરીવાલની ધરપકડ સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “20 જૂને અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા. પરંતુ ત્યાર બાદ તરત જ EDએ સ્ટે લગાવ્યો. બીજા દિવસે CBIએ આરોપી બનાવી દીધા અને આજે તેમની ધરપકડ કરી. આખી સિસ્ટમ પ્રયાસો કરી રહી છે કે કેજરીવાલ બહાર ના આવે. આ કાયદો નથી, આ તાનાશાહી છે.”
સીએમ કેજરીવાલને CBI પૂછશે સવાલ
સીબીઆઈની ટીમ 29 જૂન સુધી કેજરીવાલની લિકર પોલિસી સાથે જોડાયેલા સવાલો પર પૂછપરછ કરશે કારણ કે અત્યાર સુધી કેજરીવાલ લિકર પોલિસી સ્કેમ સાથે જોડાયેલા સવાલોને ટાળી રહ્યા છે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે તે કેજરીવાલ અને મનીષ સિસોદિયાને સામસામે બેસાડીને પૂછપરછ કરવા માંગે છે. વધુમાં, સીબીઆઈએ દાવો કર્યો હતો કે તપાસ ચાલુ છે અને જુલાઈ સુધીમાં પૂર્ણ થઈ જશે.
કેજરીવાલે બધો દોષ સિસોદિયા પર નાખ્યો?
સીબીઆઈએ દાવો કર્યો કે કેજરીવાલે તમામ દોષ મનીષ સિસોદિયા પર નાખ્યો છે પરંતુ કેજરીવાલે કોર્ટમાં કહ્યું કે તેમણે સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે. તેમણે આ મામલે સિસોદિયા પર કોઈપણ પ્રકારનો આરોપ લગાવ્યો નથી.
કેજરીવાલને જેલમાં મળશે ઘરનું ભોજન
કેજરીવાલના વકીલની દલીલ પછી કોર્ટે ઘરનું ભોજન અને આવશ્યક દવાઓની મંજૂરી આપી છે. તેમજ પત્ની સુનીતા કેજરીવાલ અને તેમના વકીલ માટે દરરોજ 30-30 મિનિટનો મીટિંગનો સમય નક્કી કરવામાં આવ્યો છે.