ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતને પચાવવી પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરો માટે બની મુશ્કેલ, લગાવ્યો આરોપ
- ઈન્ઝમામ ઉલ હક અને સલીમ મલિક ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીતથી થયા નારાજ
HD ન્યૂઝ ડેસ્ક, 29 જૂન: ICC T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8 મેચો પૂરી થઈ ગઈ છે અને આઠમાંથી માત્ર ચાર ટીમો બાકી છે. પ્રથમ સેમી ફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન અને બીજી સેમી ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અજેય રહી છે. ભારતીય ટીમે તેની છેલ્લી સુપર-8ની મેચ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને 24 રને જીત હાંસલ કરી હતી. ત્યારે ભારતની આ જીત પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હક અને સલીમ મલિકને ગમી રહી નથી. બંનેએ મળીને ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગ જેવો ગંભીર આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, સલીમ મલિકે તો ત્યાં સુધી કહ્યું કે, બોલરની નજીકમાં ઉભેલા ફિલ્ડરોની પણ તપાસ કરવી જોઈએ.
Inzamam Ul Haq said, “Arshdeep Singh’s balls were swinging, something was done to the ball by India”.
Pakistan just can’t accept India’s victory. The same happened during the ODI World Cup 2023. Shamelessness on another level.#INDvsENG #T20worldcup pic.twitter.com/Znb6YEctu2
— विवेक (@vivek7218) June 26, 2024
જ્યારે ઈન્ઝમામ ઉલ હકે કહ્યું, ‘જ્યારે અર્શદીપ સિંહ 15મી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો. નવા બોલથી આટલી ઝડપથી રિવર્સ સ્વિંગ કરવી મુશ્કેલ છે. જેનો અર્થ એ થાય છે કે, બોલ 12મી-13મી ઓવર સુધીમાં રિવર્સ માટે સક્ષમ થઈ ગયો હતો. કારણ કે જ્યારે તે(અર્શદીપ સિંહ) 15મી ઓવર નાખવા આવ્યો ત્યારે રિવર્સ સ્વિંગ શરૂ થઈ ગયો હતો. તેથી અમ્પાયરોએ અહીંયા પણ પોતાની આંખો ખુલ્લી રાખવી જોઈએ. જેના પર સલીમ મલિકે કહ્યું કે, ‘હું કેટલીક ટીમો વિશે વિચારું છું જે હું વારંવાર કહું છું કે તેઓની આંખો બંધ રહે છે, અને તેમાંથી એક ભારત છે. મને યાદ છે કે અમે ઝિમ્બાબ્વેમાં મેચ રમી રહ્યા હતા અને વસીમ અકરમે એક બાજુનો બોલ ભીનો કર્યો હતો. બધાએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું કે આ શું થયું, તેથી મેં જઈને ફરિયાદ કરી, તો મને મોટો દંડ ફટકારવામાં આવ્યો.
જો પાકિસ્તાની બોલરોએ આવું કર્યું હોત તો…:ઈન્ઝમામ ઉલ હક
પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકે વધુમાં કહ્યું કે, “જો તે પાકિસ્તાની બોલર હોત તો વિવાદ થઈ ગયો હોત. જો 15મી ઓવરમાં આવ્યા બાદ અર્શદીપ સિંહને રિવર્સ સ્વિંગ મળી રહ્યો છે તો તેનો અર્થ એ છે કે, બોલ પર ગંભીર કામ કરવામાં આવ્યું છે.” સલીમ મલિકે આના પર ઝાટકણી કાઢી અને કહ્યું કે, ‘મેં તે સમયે ઈન્ઝમામ ઉલ હકને પણ કહ્યું હતું કે બોલર નજીકના ફિલ્ડરોને જોવા જોઈએ, તેમની તપાસ કરવી જોઈએ અને અમે તેના પર હસવા લાગ્યા. ઇન્ઝમામ ઉલ હકે આગળ કહ્યું કે, ‘રિવર્સ સ્વિંગની પ્રકૃતિ એવી છે કે બુમરાહ છે ને, તેની એક્શન એવી છે કે તે રિવર્સ સ્વિંગ થોડામાં પણ કરી લે છે. જ્યારે કેટલાક બોલર્સ દ્વારા રિવર્સ સ્વિંગ કરાવવા માટે બોલ ખૂબ જ સારી રીતે તૈયાર કરવો પડે છે.
પાકિસ્તાન સુપર-8 સુધી પણ પહોંચી શક્યું નહીં
પાકિસ્તાનની વાત કરવામાં આવે તો બાબર આઝમની કપ્તાનીવાળી ટીમ ICC T20 વર્લ્ડ કપ 2024માં લીગ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. પાકિસ્તાનને લીગ રાઉન્ડમાં અમેરિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અમેરિકાની ટીમ સુપર-8માં પહોંચી હતી. ભારત અને અફઘાનિસ્તાન ગ્રુપ-1માંથી સેમીફાઈનલમાં પહોંચી ગયા છે જ્યારે ગ્રુપ-2માંથી દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સેમીફાઈનલમાં પહોંચી ગયા છે.
આ પણ જુઓ: ‘જય પેલેસ્ટાઈન’ શું ઓવૈસીનું સંસદ સભ્યપદ રદ્દ થશે? રાષ્ટ્રપતિને થઈ ફરિયાદ