ગાંધીનગરમાં 94 હજાર લોકોએ 3 મહિનામાં રૂપિયા 49 કરોડનો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભર્યો
ગાંધીનગર, 25 જૂન 2024, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ મિલકત વેરો ભરનારા કરદાતાઓને 10 ટકા વળતર આપવાની યોજના જાહેર કરી છે જે આગામી 30 જૂન સુધી અમલમાં છે. ત્યારે પહેલી એપ્રિલથી 25 જૂન 2024 સુધીમાં કુલ 94 હજાર 140 કરદાતાઓએ કુલ 49.02 કરોડ રૂપિયા મિલકત વેરા પેટે એડવાન્સ ભરતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી છલકાઈ ગઈ છે.નાણાંકીય વર્ષ 2024-2025 માં મિલકતવેરો ભરપાઈ કરવા ઉપર 10 ટકા વળતર તેમજ ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીનું 2 ટકા વળતર આમ કુલ 12 ટકા વળતર યોજના તા. 30 જુન સુધી અમલમાં છે.
ડેબિટ/ક્રેડિટ કાર્ડ, U.P.I, નેટ બેન્કિંગના વિકલ્પ અપાય છે
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરો ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન મિલકતવેરો મહાનગરપાલિકાની વેબસાઈટ પર જઈને ભરી શકાશે. જેમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ, U.P.I, નેટ બેન્કિંગના વિકલ્પ આપવામાં આવેલ છે. જેની ગાઇડલાઇન પણ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. તેમજ ઓફલાઇન મિલકતવેરો રોકડ સ્વરૂપે સવારે 9 થી બપોરે 3 કલાક સુધી તથા ચેક દ્રારા સવારે 9 થી સાંજે 5 કલાક સુધી સ્વીકારવામાં આવે છે.જેમાં કરદાતાઓને બીલ ભરવા આવે ત્યારે જૂનું બીલ કે નાણાં ભર્યાની પાવતી સાથે લાવવા વિનંતી કરવામાં આવે છે.
49. 02 કરોડનો મિલકતવેરો એડવાન્સમાં ભરવામાં આવ્યો
ચાલુ નાણાંકીય વર્ષ 2024-25માં ઓનલાઇન માધ્યમથી મિલકતવેરો ભરવાનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે. પહેલી એપ્રિલથી 25 જૂન 2024 સુધીમાં કુલ 94 હજાર 140 કરદાતાઓ દ્વારા કુલ રૂ.49. 02 કરોડનો મિલકતવેરો એડવાન્સમાં ભરવામાં આવેલ છે. જેમાંથી કુલ 47 હજાર 811 કરદાતાઓ દ્રારા 20 કરોડ 86 લાખનો મિલકતવેરો ઓનલાઇન માધ્યમથી ભરેલ છે. તથા કુલ 46 હજાર 329 કરદાતાઓ દ્રારા રૂ.28 કરોડ 26 લાખનો મિલકતવેરો કચેરી ખાતે ઓફલાઇન માધ્યમથી ભરેલ છે.જે કરદાતાઓ દ્રારા મિલકતવેરાની ચૂકવણી કરીએ ઉપરોક્ત વળતર યોજનાનો લાભ લીધેલ નથી તેવા કરદાતાઓને 30મી જુન સુધી મિલકતવેરાની ચૂકવણી કરી વળતર યોજનાનો લાભ લેવા જણાવાયું છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં AMCને 10 પ્લોટની હરાજીથી થયેલ કમાણીની રકમ જાણી રહેશો દંગ