અમદાવાદનાં ઇતિહાસનો સૌથી મોટો AMC ભ્રષ્ટાચારી પ્રોજેક્ટ એટલે ‘ખારીકટ કેનાલ પ્રોજેક્ટ: AMC વિપક્ષ નેતા
- 1250 કરોડનાં ખારી કટ કેનાલ પ્રોજેક્ટમાં 240 કરોડનો ભ્રષ્ટાચાર: AMC વિપક્ષ નેતા
અમદાવાદ 24 જૂન 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે વિરોધ પક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે વર્ષો જૂની શહેરનાં મધ્યમાં આવેલી કેનાલોથી પરેશાન થતાં નાગરિકો તથા ફેલાતી બીમારીઓને દૂર કરવા માટે કોર્પોરેશનના ઇતિહાસનો સૌથી મોટો 1250 કરોડના ખર્ચે કુલ 5 ફેસમાં ખારી કટ કેનાલનો પ્રોજેક્ટ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમા પ્રથમ ફેસમાં નરોડા સ્મશાનથી નવયુગ સ્કૂલનો ફેસ હતો જેમાં RKC ઇન્ફ્રા બિલ્ડ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. બીજા ફેસમાં નવયુગ સ્કૂલથી નિધિ પાર્ક નો હતો જેનો રેલ વિકાસ નિગમ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ રીતે ત્રીજો ફેસ પણ રેલ વિકાસ નિગમ લિમિટેડને આપવામાં આવ્યો છે. જેમાં કુલ રકમના 20 ટકા એટલે કે 240 કરોડના ભ્રષ્ટાચાર થયાનો હોવાનો કોર્પોરેશનના અધિકારીઓ અને તેમના મળતીયાઓ ઉપર વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે.
1250 કરોડમાંથી 240 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું આ તમામ પ્રોજેક્ટ પાંચ ફેસમાં બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એમાં ટેન્ડરના નિયમ મુજબ તમામ ફેસમાં પ્રિ કાસ્ટ બોક્સ નાખવાના હતા. જે કંપની દ્વારા નાખવામાં આવ્યા નથી. જેમાં મોટા પાય ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કેનાલ પ્રોજેક્ટમાં કોઈપણ પ્રક્રિયાની જાણ કર્યા વગર પ્રોજેક્ટમાં ફેરફાર કરવામા આવ્યો છે જેથી સરળ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય, AMC મોટા અધિકારીઓ કોઈનાથી નથી ડરતા પછી તે હાઇકોર્ટ હોય કે સરકાર હોય, એક જ પ્રોજેક્ટની અલગ અલગ ડિઝાઇન નક્કી કરવામાં આવી એક જગ્યાએ પ્રિ કાસ્ટ લેવામાં આવ્યું અને બીજી બાજુ પ્રિ કાસ્ટ ન લેવામાં આવ્યું, તેમણે ભાજપ અને કોર્પોરેશન ઉપર આક્ષેપ કરતા કહ્યું 1250 કરોડમાંથી 20 % એટલે કે 240 કરોડનો ભ્રષ્ટાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અને તેના મળતીયાઓ સાથે મળીને કર્યો છે.
ખારી કટ કેનાલનું કામ રોકવા માટે રજૂઆત કરાશે
કોંગ્રેસ નેતાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે આવનારા દિવસોમાં કોઈપણ અકસ્માત ખારીકટ કેનાલ પર થશે તેની જવાબદારી સંપૂર્ણ કોર્પોરેશનની રહેશે આવનારા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી AMC કમિશનરને વિજલન્સ તપાસ માટે માંગણી કરશે. કમિશનરને ખારી કટ કેનાલનું કામ રોકવા માટે રજૂઆત કરશે અને RKC ઇનફ્રા અને રેલ વિકાસ નિગમ લિમિટેડ હોય જ્યાં પ્રિકાસ્ટ લેવામાં આવ્યું છે અને જ્યાં પ્રિકાસ્ટ નથી લેવામાં આવ્યું ત્યાં નિરીક્ષણ કરી કેનાલના કામોમાં જ્યાં રોડને ઢાંકી દેવામાં આવ્યો છે તે રોડને તોડીને નવેસરથી તમામ જગ્યાએ પ્રિ કાસ્ટનું કામ કરવામાં આવે અને જો આવનારા દિવસોમાં આ અંગે કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવે ગુજરાત કોંગ્રેસ હાઇકોર્ટ સુધી જશે.