હાઈકોર્ટે જામીન પર સ્ટે મૂક્યો તો કેજરીવાલ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, જાણો ક્યારે થશે સુનાવણી
દિલ્હી, 23 જૂન: દિલ્હી લિકર પોલિસી કેસમાં જેલમાં રહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે (23 જૂન) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન પર મુકવામાં આવેલા સ્ટેને લઈને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેજરીવાલના વકીલોએ આવતીકાલે એટલે કે સોમવારે (24 જૂન) સવારે સુનાવણી માટે અપીલ કરી છે.
કેટલીક શરતો પર રુઝ એવન્યુ કોર્ટે આપ્યા હતા કેજરીવાલને જામીન
અગાઉ, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને રૂઝ એવન્યુ કોર્ટે 20 જૂને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા. કોર્ટે કેજરીવાલને જામીન આપતા પહેલા કેટલીક શરતો પણ મૂકી હતી. ન્યાયાધીશે કેજરીવાલને નિર્દેશ આપ્યો હતો કે તપાસમાં અવરોધ ન આવે અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં ના આવે.
કેજરીવાલને આપવામાં આવેલા જામીનનો EDએ કર્યો વિરોધ
રુઝ એવન્યુ કોર્ટે 1 લાખ રુપિયાના બોન્ડ તેમજ કેટલીક શરતો પર કેજરીવાલને 20 જૂને જામીન આપ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 જૂને સીએમ અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકારતી અરજી દાખલ કરી હતી, જે બાદ હાઈકોર્ટે કેજરીવાલને જામીન આપવાના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.
આ પણ વાંચો: NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, નોંધાઈ પ્રથમ FIR