અમદાવાદ, 22 જૂન 2024, શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં મોડીરાતે વકીલ મહિલા પર તેના પતિએ છરીના ઘા ઝીંકીને હત્યા કરવાની કોશિષ કરતા મામલો બીચક્યો છે. મહિલાની ડિલિવરી સમયે તેના ભાઇએ સોનાની લગડી આપી હતી જે તેણે પિયરમાં રાખી હતી. ભાઈને રૂપિયાની જરૂર હોવાથી સોનાની લગડી ગીરવે મૂકી હતી. જેથી મહિલાનો પતિ ગિન્નાયો હતો. સોનાની લગડી પિયરમાં લઇ જવા મામલે પતિએ મહિલા સાથે મોડીરાતે બબાલ કરી હતી અને રસોડામાં જઇને છરી લઇને આવ્યો હતો. મહિલા કઇ વિચારે તે પહેલા પતિએ તેના પેટમાં છરીના બે ઘા ઝીંકી દીધા હતા, જ્યારે છાતીમાં છરીનો એક ઘા ઝીંકી દીધો હતો.
તારી મા અને તારા ભાઈને જાનથી મારી નાખીશ
ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા સુરસાગર એપાર્ટમેન્ટમાં રહેતા અને ગુજરાત હાઉકોર્ટના સીનીયર વકીલ ભાવીકાબેન દેવાણીએ સોલા પોલીસ સ્ટેશનમાં પતિ હિતેન્દ્ર દેવાણી વિરુદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. હિતેન્દ્ર અચાનક ભાવિકાબેનને કહેવા લાગ્યો હતો કે, તારા ભાઈએ તારી ડિલિવરી વખતે આપેલી સોનાની લગડી ક્યા છે? પતિનો સવાલ સાંભળતા ભાવિકાબેને જવાબ આપ્યો હતો કે, સોનાની લગડી પિયરમાં છે અને મારાભાઈને રૂપિયાની જરૂર હોવાથી તેને ગીરવે મૂકી છે. ભાવિકાબેનની વાત સાંભળીને હિતેન્દ્ર ઉશ્કેરાયો હતો અને ધમકીના સુરમાં કહ્યુ હતું કે, અત્યારે તું આ લગડી ગમે તેમ કરીને તારા પિયરમાંથી લઇ આવ. નહિતર તારી મા અને તારા ભાઈને જાનથી મારી નાખીશ.
હિતેન્દ્ર વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ
હિતેન્દ્રએ ધમકી આપતા ભાવિકાબેને જણાવ્યુ હતું કે, તમે મને અત્યારે મારા પિયરમાં જવા દો તો આવતીકાલે સોનાની લગડી લઇને આવી જઇશ. જે બાદ હિતેન્દ્ર ગિન્નાયો હતો અને રસોડામાં જઇને છરી લઇને આવ્યો હતો અને ભાવિકાબેનના પેટમાં બે ઘા મારી દીધા હતા અને છાતીના ભાગે એક ઘા મારી દીધો હતો.લોહીથી લથબથ હાલતમાં ભાવિકાબેન ઘરની બહાર દોડી ગયા હતા અને બુમાબુમ કરી દીધી હતી. આસપાસના લોકો દોડી આવતા ભાવિકાબેનને તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે હિતેન્દ્ર નાસી ગયો હતો. ઘટનાની જાણ સોલા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ભાવિકાબેનની ફરિયાદના આધારે હિતેન્દ્ર વિરુદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાવિકાબેન ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, જ્યા તેમની તબીયત નાજુક છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસાના ઝાબડીયામાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા: ત્રણ ફરાર