રાજકોટ, 22 જૂન 2024, શહેરના TRP ગેમઝોનના અગ્નિકાંડ મામલે કોંગ્રેસ દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે. આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે વાતચીત કરી હતી. શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણીએ બનાવની વિગતો રાહુલ ગાંધીને આપી હતી. રાહુલ ગાંધીએ સંસદના આગામી સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવા તેમજ આ મામલે જરૂરી તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
શક્તિસિંહ ગોહિલ અને જિજ્ઞેશ મેવાણી પણ જોડાયા
આ વીડિયો-કોન્ફરન્સમાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં TRP ગેમઝોન ગેરકાયદે ધમધમતું હતું. અચાનક ત્યાં આગ લાગી અને બ્લાસ્ટ થયો, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના પરિવાર સાથે સ્થાનિક ધારાસભ્યો, સાંસદ તેમજ જેને રાજકોટિયનો દ્વારા મુખ્યમંત્રી બનાવાયા તે વિજય રૂપાણી પણ વાત કરવા તૈયાર નથી. કોંગ્રેસની માગ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલવો જોઈએ. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ગેમઝોન સાવ ગેરકાયદે રીતે ચાલતો હતો. એક્ઝિટ અને એન્ટ્રી માટે એકમાત્ર દરવાજો હતો. બિલ્ડિંગ યુઝ પરમિશન કે ફાયર NOC સહિત કોઈ જરૂરી તકેદારી લેવામાં આવી નહોતી. જ્યારે ઘટના બની ત્યારે પ્રથમ રિએક્શન એ હતું કે કોર્પોરેશનને કાંઈ ખબર નથી.
પીડિતો માટે કોંગ્રેસ પાર્ટી શું કરે છે
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આશાબેન કાથડ નામની યુવતીનાં બહેને જણાવ્યું હતું કે આ ગેમઝોન ખાતે મારી 19 વર્ષીય બહેન કામ કરતી હતી. હું પણ ત્યાં બે-ત્રણ વખત ગઈ હતી. ત્યાં ફાયર સેફ્ટીનાં કોઈ સાધનો નહોતાં. આ દુર્ઘટનામાં મારી બહેનનું મોત થવા છતાં પણ કોઇએ અમારા પર શું વીતી એ જાણવાની તસદી લીધી નથી.રાહુલ ગાંધીએ પૂછ્યું કે આ બ્લાસ્ટ કયા કારણે થયો હતો, ત્યાં કોઈ ગેસ હતો કે વીજળીના કારણે બ્લાસ્ટ થયો? જવાબમાં મૃતકની બહેને જણાવ્યું કે ત્યાં 1500 લિટર પેટ્રોલ અને 2000 લિટર કેરોસિન હતું.રાહુલ ગાંધીએ પૂછ્યું કે ફાયરબ્રિગેડ કેટલા સમયમાં આવી? જવાબમાં એક કલાકમાં આવી હોવાનું કહેવાતાં રાહુલે પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટી આ લોકો માટે શું કરે છે?
રાહુલ ગાંધીએ કહ્યું સંસદમાં આ મુદ્દો ઉઠાવીશ
શક્તિસિંહ ગોહિલે આ સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે દુર્ઘટના બાદ તરત જ રાજકોટ રેસકોર્સ ખાતે એક કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા.આ માટે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ત્રણ દિવસના ઉપવાસ પણ કર્યા હતા અને આગામી 25 તારીખે બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે તેમજ પીડિતોને ન્યાયની માગ સાથેનાં પેમ્ફેલેટ વહેંચીને સરકાર પર દબાણ લાવવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આપણે સરકાર પર દબાણ લાવવું જ જોઈએ કે આ કામ થઈ જાય. મને લાગે છે કે સરકાર પર દબાણ લાવીને કમ્પેન્સેશન વધારી શકાય એવા પ્રયાસો કરવા જોઈએ. મારા લાયક કામ હોય તો ગમે ત્યારે જણાવી શકો છો. પાર્લમેન્ટનું સેશન ટૂંક સમયમાં શરૂ થવાનું છે એમાં પણ હું આ મુદ્દો ઉઠાવીશ. જેનાથી સરકાર પર પીડિતોને ન્યાય આપવાનું દબાણ લાવી શકાશે.
આ પણ વાંચોઃગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણઃ પૂર્વ કેબિનટ મંત્રીએ કમળનું ચિહ્ન હટાવી શું કહ્યું?