રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો
રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોક નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતા ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ તેમજ રાજકોટ બી ડિવિઝન પોલીસ અને SOG પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જેમાં મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
મુસાફર મૃત હાલતમાં મળી આવ્યો
રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોક નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં એક પુરુષની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક અંગે તપાસ હાથ ધરી હતી. બસ સુરતથી રાજકોટ તરફ આવતી હતી દરમિયાન રાજકોટના ગ્રીન લેન્ડ ચોક નજીક ઉપરની સીટ પર બેઠેલા મુસાફર નીચે ઉતરી વખતે લોહી જોઇ બસના ડ્રાઈવર અને ક્લીનર ને જાણ કરી હતી જે બાદ F-3માં સવાર મુસાફર મૃત હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરી હતી.
CCTV ફૂટેજ તપાસવા કાર્યવાહી
પોલીસ તપાસમાં બસ સુરત થી અમદાવાદ થઇ રાજકોટ તરફ આવતી હતી. મૃતક સીટ નંબર F-3 માં જામનગરના ભોજાબેડી ગામના વતની પ્રવીણ વાઘેલા (ઉ.વ.34) સવાર હોવાનું સામે આવ્યું છે. અને બસમાં રહેલા CCTV ફૂટેજ તેમજ અન્ય જે જગ્યા પર રસ્તામાં બસ ઉભી રહી તે જગ્યા પર CCTV ફૂટેજ તપાસવા કાર્યવાહી હાથ ધરી છે સાથે જ બસમાં સવાર મુસાફર, ડ્રાઇવર અને ક્લીનર ના નિવેદન નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.
તીક્ષ્ણ હથિયાર વળે હત્યા
પ્રાથમિક દ્રષ્ટિએ ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળતા હત્યાની આશંકા જોવામાં આવી રહી છે. પોલીસે FSL અને ડોગ સ્ક્વોડ બોલાવી મૃતદેહ ને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બ્લેડ જેવા કોઇ તીક્ષ્ણ હથિયાર વળે હત્યા કરવામાં આવી હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.