પાટણના MLAનો CMને પત્રઃ શિક્ષિત મહિલાઓને પકડનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરો
પાટણ, 21 જૂન 2024,ગાંધીનગરમાં પથિકાશ્રમ પાસે TET-TAT પાસ થયેલા ઉમેદવારોએ કાયમી ભરતી કરવાની માગ સાથે હલ્લાબોલ કર્યો હતો.આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દરમિયાન કેટલાક ઉમેદવારોને ઈજા પહોંચી હતી તો ક્યાંક પોલીસ દ્વારા સખતાઈ પણ વર્તાઈ હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતાં.મંગળવારના રોજ પથિકાશ્રમ ખાતે કરવામાં આવેલા વિરોધ દરમિયાન પોલીસ મેન્યુઅલની જોગવાઈનો સરેઆમ ભંગ થયો હોવાનો પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો છે.
પુરૂષ પોલીસકર્મી દ્વારા બળજબરીથી મહિલાને પકડી શકાય નહિ
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને ન્યાય અને નોકરી આપવાને બદલે તેમના પર થતા અત્યાચાર રોકવા માટે માંગ કરી છે. આ ઉપરાંત શિક્ષિત ઉમેદવારો પર અત્યાચાર કરનારા પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરી છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે, ગુજરાતના ભાવિ શિક્ષક કે જે ગુજરાતના ભાવિને બંધારણના પાઠ શીખવવાના છે. તેમની પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું છે. પોલીસ મેન્યુઅલની જોગવાઈ મુજબ કોઈ પુરૂષ પોલીસકર્મી દ્વારા બળજબરીથી મહિલાને પકડી શકાય નહિ તેમ છતાં આ વિરોધ દરમિયાન શિક્ષિત મહિલાઓ ઉપર જે કાર્યવાહી કરવામાં આવી તે અત્યંત શરમજનક છે.
તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લેખિત માંગ કરવામાં આવી
ધારાસભ્ય કિરીટ પટેલના પત્રમાં આવા જવાબદાર પોલીસકર્મીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લેખિત માંગ કરવામાં આવી છે. ભૂતકાળમાં કિરીટ પટેલ અનેકવાર ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે એ સમયે પણ શિક્ષણમંત્રી દ્વારા ઉમેદવારો સાથે યોગ્ય વર્તન નહોતું કરવામાં આવ્યું. સંવેદનશીલ સરકારની સંવેદનશીલતા ક્યાંય જોવા મળતી નથી ત્યારે ઉમેદવારોની વેદના સમજી સત્વરે ભરતી કરવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં TET-TAT પાસ ઉમેદવારોનો હલ્લાબોલઃ પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી