સુરતઃ ડુમસના ગણેશ બીચ પર ન્હાવા ગયેલા યુવકોનો વીડિયો વાયરલ થતાં 5 સામે કાર્યવાહી
સુરત, 20 જૂન 2024, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં અનુસાર સુરત શહેર વિસ્તારમાં આવેલી નદી, તળાવો, નહેરો અને દરિયા કિનારા વિસ્તારમાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સ્થાનિક ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ, ગોલ્ડન બીચ, નદી-કાંઠા અને ઓવારા વિસ્તારમાં આવેલા અન્ય સનસેટ પોઇન્ટની જગ્યાઓ પર ચેતવણી બોર્ડ લગાડવાની કાર્યવાહી કરવામાં આવી છે. વોચ ટાવર પરથી પબ્લીક એડ્રેસ સિસ્ટમ દ્વારા ચેતવણી જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરતના ડુમસના ગણેશ બીચ પર ન્હાવા ગયેલા પાંચ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે 18 જૂનના રોજ ભીમ અગિયારસના દિવસે સુરત ડુમસના દરિયા કિનારે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. જે પૈકી ઘણા યુવકો દરિયાના ગણેશ બીચ પર ન્હાવા માટે પડ્યા હતા. આ અંગેના વીડિયો પણ વાયરલ થયા હતા. જેને પગલે ડુમસ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગણેશ બીચ ન્હાવા પડેલા 5 યુવકો સામે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.
તહેવાર- રજાના દિવસે સહેલાણીઓની ભીડ
ડુમસ દરિયા ગણેશ બીચ પર તહેવાર અને રજાના દિવસે સહેલાણીઓની ભારે ભીડ હોય છે. ભૂતકાળમાં સહેલાણીઓ દરિયામાં ન્હાવા પડતા ડૂબવાના બનાવો બન્યા હતા. જેને પગલે ડુમસ પોલીસે દરિયા ગણેશ, ગોલ્ડન બીચ, નદી-કાંઠા તેમજ ઓવારા પર ચેતવણી બોર્ડ લગાવ્યા છે. ઉપરાંત પોલીસ વોચ ટાવરથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ચેતવણી અપાઈ છે. સનસેટ પોઇન્ટની જગ્યાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોય છે.
આ પણ વાંચોઃડુમસ જમીન કૌભાંડ મામલે IAS આયુષ ઓક સસ્પેન્ડ, રાજ્ય સરકારનું મોટું પગલું