વડોદરામાં જમીન પર દબાણનો મામલોઃ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હાઇકોર્ટમાં અરજી કરી
વડોદરા, 20 જૂન 2024, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ પર હાલ સરકારી જમીન પર દબાણ કરવાના આરોપ લાગ્યો છે અને વડોદરા ભાજપના નેતાએ તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.તેમના પર કથિત રીતે કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો આરોપ છે અને આ પ્લોટ ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ મામલે યુસુફ પઠાણે હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
આવતીકાલે VMCના વકીલ કોર્ટમાં ઉપસ્થિત થશે
યુસુફ પઠાણના વકીલે કહ્યું કે, જમીન VMCની જનરલ બોડીએ આપી છે તો પછી રાજ્ય ખાલી કરાવવા કેવી રીતે કહી શકે, વર્ષોથી આ જમીન યુસુફ પાસે છે, હવે અન્ય પક્ષમાંથી સાંસદ બનતા જમીન ખાલી કરાવાઈ રહી છે. કોર્ટે રાજકારણ વચ્ચે ના લાવીને મેરિટ ઉપર દલીલો કરવા કહ્યું છે. આ અંગે વધુ સુનાવણી આવતીકાલે થશે. આવતીકાલે VMCના વકીલ કોર્ટમાં યુસુફના કેસમાં ઉપસ્થિત થશે.
વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશને નોટિસ આપી હતી
યુસુફ પઠાણના તાંદલજા વિસ્તારમાં આવેલા તેમના પ્લોટનો મુદ્દો હાલ ચર્ચામાં છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, યુસુફ પઠાણ દ્વારા તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટની જે તે વખતે તેઓએ માંગણી કરેલી હતી. તે અનુસંધાને તે સમયે સ્થાયી સમિતિ અને સભા દ્વારા તેને જે તે કિંમતના આધારે મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં આ દરખાસ્ત અંગે સરકારમાં આ પ્લોટને નામંજૂર કરાયો હોવા છતાં તેઓએ આ પ્લોટ પર કબજો યથાવત રખાયો હતો. આથી વડોદરા મ્યુનિસપિલ કોર્પોરેશને નોટિસ આપી હતી.
આ પણ વાંચોઃવડોદરાઃ ભાજપના કોર્પોરેટરની પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવા માંગ