વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનના બે મુસાફરો પાસેથી 12 કિલો ચાંદી ઝડપાઈ
હિંમતનગર, 20 જૂન 2024, ગુજરાતમાં દાણચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં સોના-ચાંદીની હેરાફેરી વધી રહી છે. હિંમતનગર રેલવે સ્ટેશન પર વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરતા બે મુસાફરો પાસેની બેગ તપાસ કરતાં GRP રેલવે પોલીસને પાંચ લાખની કિંમતની 12.680 કિલો ચાંદી મળી આવી હતી. જેને લઈને બે મુસાફરો સામે અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
થેલામાંથી ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો
હિંમતનગર GRP પોલીસ સ્ટેશનમાંથી મળેલી વિગતો મુજબ હિંમતનગર GRP રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર રાજસ્થાન તરફથી આવતી ટ્રેનોમાં નિયમિત તપાસ કરવામાં આવે છે. ત્યારે ઇન્દોરથી અસારવા જતી વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર આવી પહોંચતા જ જનરલ કોચમાંથી થેલા સાથે રાજસ્થાનના બે શખસો ઉતર્યા હતા. હિંમતનગર GRP રેલવે પોલીસે રાબેતા મુજબ મુસાફરોની તપાસ કરતાં તેમના થેલામાંથી ચાંદીનો ચોરસો મળી આવ્યો હતો.
મુસાફરો પાસે ચાંદીનું બિલ નહોતુ
પોલીસે તેમની પાસે ચાંદીના બિલ અંગેની માગણી કરતાં મુસાફરો પાસે કોઈ પુરાવા ન હતા.જેને લઇને હિંમતનગર રેલવે પોલીસે 41(1) D મુજબ 12.680 કિલોગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખનો ચાંદીનો જથ્થો કબજે લીધો હતો.રાજસ્થાનના મેરતાથી ઈન્દોર અસારવા ટ્રેનમાં હિંમતનગર ઉતરેલા બે શખસોએ ખેડબ્રહ્મા, અંબાજી અને સાવલી કોટડા રાજસ્થાન સોનીની દુકાન ધરાવતા વેપારીઓને આ માલ આપવાનો હતો તેવું જણાવ્યું હતું. હિંમતનગર GRP રેલવે પોલીસે ઝડપાયેલા 12.680 કિલો ચાંદી અંગે સ્ટેટ GSTને લેખિત જાણ કરી છે.
આ પણ વાંચોઃગુજરાતના આ શહેરમાંથી ઝડપાયુ નકલી ડિગ્રી અને માર્કશીટનાં આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ