કોરોનાની નવી લહેરની આશંકા વચ્ચે DCGI દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત બાયોટેક દ્રારા નિર્મિત કોવેક્સિનને ભારતમાં ઇમરજન્સી વપરાસ માટે બહાલી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ 12+ થી 18+ નાં બાળકોને કોરોનાની રસી આપવામાં આવે છે. બહાલી આપવામાં આવેલ ભારત બાયોટેક દ્રારા નિર્મિત કોવેક્સિન 6 થી 12 વર્ષના બાળકોને આપવામાં આવશે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI)એ 6 થી 12 વર્ષની વયના બાળકોને કોવેક્સિન આપવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વે આવેલી કોરોનાની લહેરોમાં બાળકો પર કોરોનાની બહુ ગંભીર અસરો નોંધવામાં આવી નહોતી, પરંતુ આ વખતે બાળકો કોરોનાનાં નવા XE વેરિયન્ટનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને શાળા ખુલ્યા બાદ આ કેસમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લૂ જેવા લક્ષણોમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં જો બાળકને કોરોના વાયરસ હોય તો પણ માતાપિતાએ ગભરાવાની જરૂર નથી, કારણ કે બાળકોમાં કોરોનાના લક્ષણો ખૂબ જ હળવા હોય છે અને સમયસર સારવારને કારણે બાળકો ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. જો કે આ લક્ષણોની સમયસર ઓળખ થવી ખૂબ જ અગત્યની છે.