અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, સોમનાથ દાદાના દર્શન કરી કાલે રાજકોટમાં વેપારીઓને મળશે
આ વર્ષના અંત સુદીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈને ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને હવે તો આપના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં આવન જાવન વધારી દીધું છે. આ વર્ષની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ત્યારે ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેજરીવાલ 25 જુલાઈ સોમવારથી બે દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં સોમવારે કેજરીવાલ સોમનાથ મંદિરમાં દર્શન કરશે અને 26 જુલાઈએ રાજકોટમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે સંવાદ કરશે.
અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્ર પ્રવાસે
આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25મી જુલાઈના રોજ સાંજે રાજકોટ એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ સોમનાથ જવા રવાના થશે અને સોમનાથ હોટલમાં રાત્રિ રોકાણ કરશે.
કેજરીવાલ સોમનાથ દાદાના દર્શન કરશે
26 જુલાઈના રોજ સવારે અરવિંદ કેજરીવાલ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા મંદિર પહોંચશે અને ભારતના લોકોની સુખ-સમૃદ્ધિ અને ભારતમાં સુશાસનની સ્થાપના માટે મંદિરમાં પૂજા-અર્ચના કરીને મહાદેવના આશીર્વાદ લેશે. સોમનાથ મંદિરેથી મહાદેવના આશીર્વાદ લીધા બાદ અરવિંદ કેજરીવાલ સોમનાથથી રાજકોટ જવા રવાના થશે, અને બપોરે રાજકોટમાં જ ટ્રેડર્સ સાથેના ટાઉન હોલ કાર્યક્રમને સંબોધિત કરશે.
ઈન્દ્રનીલ રાજગુરુએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી
મહત્વનું છે કે, આમઆદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજયગુરુએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર જણાવ્યું હતું કે, આમઆદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને મળીને તેમની સમસ્યાઓ વિશે વાત કરવા, ગુજરાતના લોકોના પ્રશ્નોના જવાબ આપવા ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમઆદમી પાર્ટીને સંપૂર્ણ વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલને ગુજરાતની જનતા તરફથી દર વખતે જેવો પ્રેમ મળે છે આ વખતે પણ તેટલો જ પ્રેમ મળશે.