ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીવીડિયો સ્ટોરી

ઐતિહાસિક નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, નીતિશ કુમાર પણ હાજર

  • PM મોદીએ સૌપ્રથમ વિશ્વવિદ્યાલયના પ્રાચીન કેમ્પસને નિહાળ્યું, જે હવે ઐતિહાસિક ધરોહરમાં બદલાઈ ગયું છે

નાલંદા, 19 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે બિહારના રાજગીરમાં ઐતિહાસિક નાલંદા વિશ્વવિદ્યાલયના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે નાલંદા વિશ્વવિદ્યાલય પહોંચેલા પીએમ મોદીએ સૌપ્રથમ વિશ્વવિદ્યાલયના પ્રાચીન કેમ્પસને પણ નિહાળ્યું હતું, જે હવે ઐતિહાસિક ધરોહરમાં બદલાઈ ગયું છે. આ પછી તેઓ અહીંથી નવા કેમ્પસ પહોંચ્યા, જ્યાં તેમણે બોધિ વૃક્ષનું વાવેતર કર્યું અને પછી નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્વવિદ્યાલયનું નિર્માણ વર્ષ 2017માં શરૂ કરવામાં આવ્યું હતું.

 

 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2017માં વિશ્વવિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલયનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન અવશેષો પાસે બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010ના માધ્યમથી કરવામાં આવી છે. 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.

40 વર્ગખંડ, 1900 બાળકો માટે બેઠક વ્યવસ્થા

Nalanda University

નાલંદા વિશ્વવિદ્યાલય પાસે બે શૈક્ષણિક બ્લોક છે, જેમાં 40 વર્ગખંડો છે. અહીં કુલ 1900 બાળકો માટે બેઠક વ્યવસ્થા છે. વિશ્વવિદ્યાલય પાસે બે ઓડિટોરિયમ પણ છે જેમાં 300 સીટ છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 2 હજાર લોકો બેસી શકે છે. આટલું જ નહીં, વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે. નાલંદા વિશ્વવિદ્યાલયનું કેમ્પસ ‘NET ZERO’ કેમ્પસ છે, જેનો અર્થ છે કે પર્યાવરણને અનુકૂળ પ્રવૃત્તિઓ અને શિક્ષણ અહીં થાય છે. કેમ્પસમાં પાણીને રિસાયકલ કરવા માટેનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે, 100 એકરમાં વોટર બોડીઝ (જળાશયો)ની સાથેસાથે ઘણી સુવિધાઓ છે જે પર્યાવરણને અનુકૂળ છે.

12મી સદીમાં આક્રમણકારો દ્વારા નાશ કરવામાં આવ્યો

Nalanda University

નાલંદા વિશ્વવિદ્યાલયનો ઈતિહાસ ઘણો જૂનો છે. નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના લગભગ 1600 વર્ષ પહેલાં પાંચમી સદીમાં થઈ હતી. જ્યારે દેશમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી ત્યારે તે વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હતું. નિષ્ણાતોના મતે, 12મી સદીમાં આક્રમણકારો દ્વારા આ વિશ્વવિદ્યાલયનો નાશ કરવામાં આવ્યો હતો. આ પહેલા આ પ્રાચીન શાળાએ લગભગ 800 વર્ષ સુધી ઘણા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું.

હ્યુએન ત્સાંગે પણ નાલંદામાંથી શિક્ષણ લીધું હતું

Nalanda University

Nalanda University

નાલંદા વિશ્વવિદ્યાલયનો પાયો ગુપ્ત વંશના કુમાર ગુપ્તા I દ્વારા નાખવામાં આવ્યો હતો. પાંચમી સદીમાં બનેલી પ્રાચીન વિશ્વવિદ્યાલયમાં લગભગ 10 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, જેમના માટે 1500 શિક્ષકો હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ એશિયાઈ દેશો ચીન, કોરિયા અને જાપાનથી આવતા બૌદ્ધ સાધુઓ હતા. ઈતિહાસકારોના મતે ચીનના સાધુ હ્યુએન ત્સાંગે પણ સાતમી સદીમાં નાલંદામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે તેમના પુસ્તકોમાં નાલંદા વિશ્વવિદ્યાલયની ભવ્યતાનો ઉલ્લેખ કર્યો છે. આ બૌદ્ધ ધર્મના બે સૌથી મહત્ત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક હતું.

આ પણ જુઓ: વારાણસીમાં વડાપ્રધાન મોદીએ ગંગા આરતી બાદ કાશી વિશ્વનાથની પૂજા કરી

Back to top button