LIC નાં IPOની તારીખ જાહેર, ઇશ્યૂનું કદ ₹21,000 કરોડ હોવાનો અંદાજ
અંદાજીત 21,000 કરોડનું કદ ધરાવતા LICનાં આવી રહેલા ઇશ્યૂએ તમામ ઇન્વેસ્ટરોમાં આતુરતાનો સંચાર કરી દીધો હતો. લોકો પાછલા થોડા સમયથી ક્યારે આવશે – ક્યારે આવશેનાં સવાલ સાથે અતુર જણાતા હતા. લોકોની આતુરતાનો અંત આવી ગયો છે. જી હા, LICનાં IPOની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે ઇશ્યૂનું કદ અને કિંમત પણ આટલી જ આતુરતા જન્માવતી હતી તેના પરથી પણ લગભગ પડદો ઉઠી ગયો છે.
જી હા, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC નો બહુપ્રતિક્ષિત IPO 4 થી 9 મે વચ્ચે આવી શકે છે. જો કે, IPOની ઇશ્યૂ કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એક-બે દિવસમાં કિંમત જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈશ્યુની કિંમત 954 – 960 હોઈ શકે છે. ઇશ્યૂનું કદ ₹21,000 કરોડ હોવાનો અંદાજ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુધારેલ ડ્રાફ્ટ IPOના અંદાજિત કદમાં કાપ અંગેનો છે. અગાઉ એવું બહાર આવ્યું હતું કે, સરકાર પ્રસ્તાવિત IPOમાં લગભગ 10 ટકા હિસ્સો વેચવા જઈ રહી છે. જો કે, બજારની બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે પ્રથમ ડ્રાફ્ટ રજૂ કર્યા પછી માત્ર 5 ટકા હિસ્સો વેચવા માટે સેબી પાસેથી પરવાનગી લીધી. હવે જ્યારે સરકાર દ્વારા LIC – IPO માટે સુધારેલ ડ્રાફ્ટ સબમિટ કરી દોવામાં આવ્યો છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા પોતાનો વેચવા લાયક હિસ્સો વધુ ઘટાડીને 3.5 ટકા કરી દેવામાં આવ્યું છે.