ગાંધીનગર, 18 જૂન 2024, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર-દક્ષિણની વર્ચસ્વની લડાઈનાં ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડીંગ ચેરમેનની નિમણુંકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો છે. ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગૂંચવાતા સસ્પેન્સ યથાવત રહ્યું હતું. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે.ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરવામાં આવી છે.
આજે મેયરની નિમણૂક કરી દેવામાં આવી
ગાંધીનગર મહાનગરપાલિકામાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના પદ માટે આ વખતે સૌથી વધુ પેચીદો મુદ્દો બન્યો હતો. ઉત્તર- દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશ નેતાઓએ મામલો હાથ પર લીધો હતો. સોમવારે સાંજે મળેલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં વિસ્તૃત ચર્ચા થઇ હતી.પરંતુ આ દરમિયાન પણ કોઇ મુદ્દે કોકડું ગૂંચવાતા મોડી રાત સુધી બેઠક ચાલી હતી. મહિલા મેયર માટે બ્રહ્મ સમાજ અથવા પાટીદાર સમાજના મહિલા કોર્પોરેટરોના નામ ચર્ચામાં હતા. બ્રહ્મ સમાજમાંથી હેમા ભટ્ટ અને છાયા ત્રિવેદીના નામો ચર્ચાયા હતા. ત્યારે આજે મેયરની નિમણૂક કરી દેવામાં આવી છે.
પ્રદેશ નેતાઓએ સ્થાનિક નેતાઓને ટકોર પણ કરી હતી
મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓમાં ગાંધીનગર ઉત્તરના પદાધિકારીઓને સ્થાન મળવાની શક્યતા સામે દક્ષિણ વિસ્તારના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે પ્રદેશ નેતાઓએ સ્થાનિક નેતાઓને ટકોર પણ કરી હતી કે ઉત્તર- દક્ષિણ એવા ભાગલા પાડવાને બદલે સમગ્ર મહાનગરનું હિત વિચારવું જોઇએ અને દરેક વિસ્તારનો વિકાસ થાય તેવા પ્રયાસ રહેવા જોઇએ.
આ પણ વાંચોઃગુજરાત કોલેજમાં MA, M.SCના કોર્સ થયા બંધ, ABVPએ કર્યો વિરોધ