પાવાગઢ ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા પ્રતિભાવ, જાણો શું કહ્યું, જૂઓ વીડિયો
ગાંધીનગર, 17 જૂનઃ તીર્થધામ પાવાગઢમાં ગઈકાલે જૈન તીર્થંકર નેમિનાથજીની મૂર્તિ ખંડિત થવાના મુદ્દે સર્જાયેલી તંગદિલી બાદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે આ અંગે પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, “કોઈ વ્યક્તિને કોઇપણ મૂર્તિ અથવા મંદિર તોડવાની સત્તા નથી. આ મામલમાં તપાસ ચાલી રહી છે. મૂર્તિ ફરીથી તેના સ્થાને સ્થાપિત કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યો છે અને તે પ્રમાણે થશે.”
અહીં સાંભળો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
“No person or trust has the authority to demolish any statue or temple. Investigation is underway in this matter. The statues will be reinstalled in their places today as per CM’s order,” pic.twitter.com/F5UNxWHHSI
— Harsh Sanghavi (@sanghaviharsh) June 17, 2024
પાવાગઢ તીર્થધામ હિન્દુ તથા જૈન બંને સમુદાય માટે મહત્ત્વનું છે. મા મહાકાળીના મંદિર સુધી પહોંચવાના માર્ગમાં અમુક જગ્યાએ પગથિયાંની બંને તરફ જૈન તીર્થંકરોની પ્રતિમાઓ જોવા મળે છે. તે ઉપરાંત ઉપર તરફ જતાં માતાના મંદિરથી થોડે પહેલાં જૈન મંદિર પણ આવેલું છે. જોકે, હવે તો બંને તીર્થ સુધી પહોંચવા માટે રોપ-વે છે, પરંતુ બંને સમુદાયના પ્રખર શ્રદ્ધાળુઓ દાદર ચડીને જ દર્શન કરવા જવાનું પસંદ કરે છે. આ દાદરમાં સમારકામની પ્રક્રિયા ઘણા સમયથી ચાલી રહી છે અને એ દરમિયાન તીર્થકંરની મૂર્તિ ખંડિત થતા જૈન સમુદાય ભારે નારાજ થયો હતો.
જૈન મહારાજ સાહેબનો આક્ષેપ છે કે, કોઈએ તીર્થંકરની મૂર્તિઓ અન્યત્ર ખસેડી દીધી છે. જોકે, ગઈકાલે સાંજે જ પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડી ગયો હતો અને મૂર્તિઓને યથાસ્થાને રાખવા તમામ પક્ષ સંમત થયા હતા.
આ સંદર્ભમાં આજે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના આદેશને પગલે મૂર્તિઓ મૂળ સ્થાને ફરી સ્થાપિત કરી દેવામાં આવી છે.