અમદાવાદ, 17 જૂન 2024, તાજેતરમાં દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગ આસપાસમાં આવેલા કુલ 7 જેટલા ગોડાઉન સુધી પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે આજે કઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. કેંગન વોટર રીફીલ બનાવતી કંપનીમાં મેગ્નેશિયમના જથ્થામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 18થી વધુની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ટેસ્ટિંગ લેબ અને આરએનડી વિભાગના સ્ટોરમાં મેગ્નેશિયમના જથ્થાના કારણે આગ વધુ પ્રસરી હોય તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.
ફાયબ્રિગેડની 18થી વધુ ગાડીઓ રવાના કરાઈ હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણએ કઠવાડા GIDC ખાતે રોડ નંબર 5 પર આવેલી બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં સવારે 4.30 વાગ્યે આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયબ્રિગેડની 18થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. 45થી વધુ ફાયર બ્રિગેડના જવાનોએ બે કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. બાયોટેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગ ખૂબ વધારે હતી જે બાજુમાં આવેલી સુરભી સ્ટીલ વાસણ બનાવતી કંપનીમાં આગ પ્રસરતા પેકેજિંગ મટિરીયલમાં આગ લાગી હતી.પાછળના ભાગે આવેલા ગોપાલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને પણ સુરક્ષાના ધોરણે ખાલી કરાવી આશરે 40 વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની સવાર સુધી આગને કુલિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અગાઉ દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી હતી
અમદાવાદના દાણીલીમડાના પટેલ મેદાનમાં આવેલા પતરાના શેડમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી હતી.આગ ખૂબ જ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અંદર સુધી પહોંચી શક્યા નહોતા. રોબોટની મદદ લેવામાં આવી હતી. અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે અદ્યતન ટેક્નોલોજીવાળા રોબોટની મદદ લઈ અને આગ બૂઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. સતત બે કલાક સુધી રોબોટ ચલાવી અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આગના કારણે આખો પતરાનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. આગ ખૂબ જ મોટી હોવાથી જેસીબીની પણ મદદ લેવામાં આવી હતી.
આ પણ વાંચોઃદાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં આગ લાગી, રહેણાંક વિસ્તાર હોવાથી લોકોમાં ફફડાટ