અમદાવાદ શહેર પોલીસ આયોજિત સમર કેમ્પના સમાપન કાર્યક્રમમાં CM હાજર રહ્યા
અમદાવાદ, 16 જુન : અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વખતે પ્રથમ વખત ખાસ કરીને પોલીસ કર્મચારીઓના બાળકોને ટ્રેનિંગ આપવા તેમજ તેમનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકનાં માર્ગદર્શન મુજબ સમર કેમ્પનું આયોજન કરાયું હતું.
આ સમર કેમ્પ સતત એક મહિના સુધી ચાલ્યું હતું અને શહેરના મોટાભાગના પોલીસ અધિકારીઓના બાળકોએ આમાં ભાગ લઈને ટ્રેનિંગ મેળવી હતી અને ઉત્સાહથી ઉજવ્યો હતો. જેની ક્લોઝિંગ સેરેમનીમાં પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારોનો ઉત્સાહ વધારવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.
1 મહિના સુધી ચાલ્યો સમર કેમ્પ
આ સમર કેમ્પની શરૂઆત 16 મે 2024 ના રોજ કરવામાં આવી હતી. જેની ક્લોઝિંગ સેરેમની 16 જુન 2024 ના રોજ ઉજવવામાં આવી હતી. આ ક્લોઝિંગ સેરેમનીમાં સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ પૂર્વ લોકસભા સાંસદ હસમુખ પટેલ, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક,JCP અજય ચૌધરી, JCP નીરજ બડગુજર, તમામ ઝોનના ડીસીપી અધિકારીઓ, PI સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો હાજર રહ્યા હતા.
600 જેટલા પોલીસ કર્મીઓના બાળકોએ ભાગ લીધો
16 મેથી શરુ થયેલા સમર કેમ્પમાં કુલ 600 જેટલા પોલીસ કર્મચારીઓના બાળકોએ ભાગ લીધો હતો. એક મહિનો ચાલેલા સમર કેમ્પમાં બાળકોની બૌધિક શક્તિ સહીત શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો કરતી રમતોનું આયોજન કરાયું હતું. આ સમર કેમ્પનો અનુભવ કરતા 11 વર્ષનું બાળક માહી મુકેશભાઇ મોરી જણાવે છે કે આ કેમ્પ દરમિયાન અમે ગણી બધી એક્ટિવિટી કરી છે.
ડાંસ, યોગા, કરાટે, આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી એક્ટિવિટી પણ કરી છે. CP સરને વિનંતી કરું છું કે દર વર્ષે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે તો ખૂબ મજા આવે સાથે અમને નાશ્તો પણ મળતો હતો અને સતત એક મહિના સુધી અમને ખુબ મજા આવી
કેમ્પથી બાળકો આજ્ઞાકારી બન્યા : વાલી
ગાયકવાડ હવેલી પોલીસ લાઈનમાંથી ભાગ લેનાર વાલી અલકાબેન સમર કેમ્પ વિશે વાત કરતા જણાવે છે કે બાળકોને બંને ટાઈમ ગાડી લેવા અને મુકવા આવતી આ ઉપરાંત જુદા જુદા શિક્ષકોએ પણ સાથ સહકાર આપ્યો હતો. બાળકોને સવારે વહેલા ઉઠવાની ટેવ પડી, ટીવી અને મોબાઈલની કુટેવ દૂર થઈ, બાળકોમાં સુષુપ્ત રહેલી શક્તિઓ બહાર આવી હોય તેવું લાગ્યું અને આ કેમ્પથી બાળકો આજ્ઞાકારી બન્યા એવો અનુભવ થયો છે
અમદાવાદ શહેર પોલીસનાં આ કાર્યને બિરદાવું છું : CM
આ કાર્યક્રમ વિશે સીએમ ભુપેન્દ્ર પટેલ વાતચીત કરતા જણાવે છે કે અમદાવાદ શહેર પોલિસ દ્વારા કરેલા આ સમર કેમ્પનાં આયોજનને હું બિરદાવું છું. સાથે હળવા મૂડમાં વાત કરતા તેઓએ રમુજી અંદાજમાં બોલતા કહ્યું છોકરાઓને સંભાળવાની મઝા આવે તેમજ બાળકોને સવાલ કરતાં કહ્યું મમ્મી પપ્પાનું માનતા નથી એવાં કેટલા છોકરા? અને છોકરાઓને ફરવા ઇલેક્શન માટે નથી લઇ ગયાં એવું કોણે કીધું? સાથે તેમણે વધુમાં જણાવ્યું કે છોકરાઓ એકબીજાનાં નજીક આવવાનું આ એક માધ્યમ બન્યું છે. આજે છોકરાઓ બહાર નથી નીકળતા આખો દિવસ ઘરે ફોન, ટીવીમા કાઢી નાખે, સમર કેમ્પનું આયોજન થાય તો બાળકો બહાર નીકળતા થાય, માત્ર ભણતર કામ નથી આવતુ, સાથે સંસ્કાર પણ એટલું જ મહત્વનું છે. આવા આયોજનથી બાળકોનો માનસિક અને શારીરિક સર્વાંગી વિકાસ થશે.