મુંબઈ, 16 જૂનઃ દેશમાં બેરોજગારીના નામે મોટા મોટા દેકારા થાય છે અને શાસક પક્ષ તેમજ વિપક્ષ વચ્ચે આ મુદ્દો ફૂટબૉલની જેમ ઉછળતો રહે છે, પરંતુ હકીકત એ છે કે મોટાભાગના શિક્ષિત યુવકો સરકારી નોકરીને જ રોજગારી માને છે અને તેના માટે સતત મથ્યા કરે છે, જ્યારે ઓછું ભણેલા યુવકો મહેનતનાં કામો કરવાને બદલે રસ્તાના કિનારે ખુમચા શરૂ કરવામાં અથવા પાનના ગલ્લા ખોલવામાં રસ ધરાવતા હોય છે. આ સ્થિતિનું પરિણામ એ આવ્યું છે કે, માત્ર દેશમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા ધરાવતી ટાટા કંપનીને હાલ ઓછામાં ઓછા 80,000 લોકોની જરૂર છે, પરંતુ એ જગ્યાઓ માટે યોગ્ય શિક્ષણ અને યોગ્યતા ધરાવતા યુવકો જ નથી! ટીઓઆઈના એક અહેવાલ અનુસાર TCS (Tata Consultancy Services) યોગ્ય અને જરૂરી કૌશલ્ય ધરાવતા યુવકોના અભાવને કારણે 80,000 ખાલી જગ્યાઓ ભરવા માટે સંઘર્ષ કરી રહી છે.
View this post on Instagram
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કંપની પાસે 80,000 જગ્યા ખાલી છે જે વર્તમાન કર્મચારીઓના કૌશલ્ય અને જરૂરી ભૂમિકા વચ્ચેની અસંગતતા પુરવાર કરે છે. જેના કારણે કંપનીઓ આ ખાલી જગ્યાઓ ભરવા માટે કોન્ટ્રાક્ટરો પર આધાર રાખવો પડે છે, તેમ TCSના રિસોર્સ મેનેજમેન્ટ ગ્રુપ (RMG)ના ભારતના ગ્લોબલ ઓપરેશન હેડ અમર શેટ્ટેએ ટાઈમ્સને જણાવ્યું હતું.
હકીકતે, આ સ્થિતિ માત્ર ટાટા કંપનીમાં જ નથી. TCS સહિત મુખ્ય ભારતીય IT કંપનીઓ ફ્રેશર્સને નોકરીની ઑફર કરવામાં વિલંબ કરી રહી છે, અને તેનું કારણ માત્ર એટલું જ છે કે, કંપનીઓને સ્નાતક યુવક-યુવતીઓમાં જે ચોક્કસ કુશળતાની જરૂર છે તે મળતી નથી. તેનું પરિણામ એ આવે છે કે ઘણા સ્નાતકો જોડાવા માટે થતા વિલંબની રાહ જોયા વિના પ્રયાસ છોડી દે છે. નેસેન્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઇઝ સેનેટ (NITES) અનુસાર છેલ્લાં બે વર્ષમાં 10,000 થી વધુ ફ્રેશર્સ આવા વિલંબથી પ્રભાવિત થયા છે. NITES ના પ્રમુખ હરપ્રીત સિંહ સલુજાએ TCS, Infosys, Wipro, Zensar, અને LTI Mindtree જેવી ટોચની IT કંપનીઓમાં હોદ્દા ઑફર કરેલા ઉમેદવારો તરફથી ફરિયાદો પ્રાપ્ત થયાની જાણ કરી હતી. આનો અર્થ એ છે કે, યુવક-યુવતીઓ IT સ્નાતક તો થયા હોય પરંતુ કંપનીઓમાં આઈટીની જે કુશળતાની જરૂર હોય તે તેમનામાં ન હોય ત્યારે કંપનીઓ તેમને અમુક નીચા હોદ્દા અથવા જુનિયર લેવલની ઑફર કરે છે. આ સ્થિતિ દેખીતી રીતે યુવા સ્નાતકોમાં જરૂરી કુશળતાનો અભાવ સૂચવે છે. વળી અહીં બીજો મુદ્દો એ પણ છે કે, સ્નાતક થયેલા યુવક-યુવતીઓ જે હોદ્દા માટે લાયક હોય તે હોદ્દા ઉપર હાલ કોઈ કર્મચારી કામ કરતા હોય તો કંપનીઓ નવા સ્નાતકોને એ જગ્યાઓ ખાલી થાય ત્યાં સુધી રાહ જોવા જણાવતી હોય છે. પરંતુ સ્વાભાવિક રીતે જ યુવક-યુવતીઓ માટે અમુક મહિનાથી વધારે રાહ જોવાનું શક્ય હોતું નથી અને તેથી તેઓ અન્ય કામગીરી કે વ્યવસાયમાં વળી જાય છે.
ઉદાહરણ તરીકે, ઇન્ફોસિસ દ્વારા ઉમેદવારોને ઇમેઇલથી જાણ કરવામાં આવે છે કે જોડાવાની તારીખો કામગીરીની જરૂરિયાતોને આધારે નક્કી કરવામાં આવશે, અને આ માટેની સૂચના ઓછામાં ઓછા 3-4 અઠવાડિયા અગાઉ મોકલવામાં આવશે. આમ કંપનીની જરૂરિયાત અને સ્નાતકોની કુશળતા વચ્ચેની ખાઈને કારણે વિલંબનો સમય લંબાઈ જાય છે. ઇન્ફોસિસ કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં માત્ર 11,900 કેમ્પસ રિક્રુટ્સ દ્વારા ભરતી કરી હતી, જે અગાઉના વર્ષના 50,000 કરતા 76% ઘટાડો દર્શાવે છે. વિપ્રો કંપની પણ બે વર્ષ પહેલાં કરેલી કેમ્પસ ઑફર પૂરી કરી શકી નથી. આ ગાળો લંબાઈ ગયો હોવાથી કંપની હવે બે વર્ષ પહેલાના સ્નાતકોને બદલે નવા સ્નાતકો તરફ નજર દોડાવશે. નાણાકીય વર્ષ 2023-24માં, TCS, Infosys અને Wiproના કુલ કર્મચારીઓમાં લગભગ 64,000નો ઘટાડો થયો હતો, કારણ કે આ કંપનીઓએ રોગચાળા દરમિયાન વધુ કામ કર્યું હતું અને બાદમાં સંખ્યામાં વધારો કર્યા વિના ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આ પણ વાંચોઃ કુરબાનીના બકરા ઉપર લખ્યું RAM, ફરિયાદ બાદ મુંબઈ પોલીસે નોંધી FIR: જૂઓ Video