અમિત શાહ સાથે અજીત ડોભાલ અને આર્મી ચીફની હાઈપ્રોફાઈલ બેઠક, શું થશે ચર્ચા?
- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની આ હાઈપ્રોફાઈલ બેઠક જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવવા માટે યોજાવા જઈ રહી છે
દિલ્હી, 16 જૂન: જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે 11 વાગ્યે દિલ્હીમાં એક હાઈપ્રોફાઈલ મીટિંગ કરવાના છે. આ બેઠકમાં તે સુરક્ષા દળો અને સૈન્ય અધિકારીઓને ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનને વધુ તીવ્ર બનાવવાના નિર્દેશો પણ આપી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન આ મહિનાની 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને શ્રદ્ધાળુઓને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે.
અજીત ડોભાલ અને લેફ્ટનન્ટ ગવર્નરનીસાથે શાહની મુલાકાત
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી હાજરી આપશે. આ સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા, CRPFના મહાનિર્દેશક અનીશ દયાલ સિંહ, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વેન અને અન્ય ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. આર્મી ચીફ, વાઇસ ચીફ, સેનાના 15 અને 16 કોર્પ્સ કમાન્ડર પણ હાજર રહેશે.
બોર્ડર પર દેખરેખ અને ઘૂસણખોરો સામે થશે કડક કાર્યવાહી
અમિત શાહ ટોચના અધિકારીઓ સાથે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર દળોની તૈનાતી અને ઘૂસણખોરીના પ્રયાસોને રોકવા માટે વિગતવાર ચર્ચા કરશે. ગયા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ એક બસ પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રિયાસીની સાથે આતંકવાદીઓએ કઠુઆ અને ડોડા જિલ્લામાં પણ ચાર અલગ-અલગ સ્થળોએ હુમલો કર્યો હતો.
આ મહિને જ શરુ થઈ રહી છે અમરનાથ યાત્રા
કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. દરમિયાન, જૂનના અંતમાં શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા ઘાટીમાં આતંકવાદી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થશે અને 19 ઓગસ્ટ સુધી ચાલશે.
આ પણ વાંચો: વિરોધ પક્ષને ડેપ્યુટી સ્પીકર પદ ન મળે તો સ્પીકર ચૂંટણીમાં ઉમેદવાર ઉતારશે !