ખેડાના મામલતદાર પ્રીતિબેન શાહની તાત્કાલીક બદલી, છોટા ઉદેપુર મોકલાયા
- ગઇકાલે CM એ લીધી હતી તેઓની કચેરીની ઓચિંતા મુલાકાત
- સુવિધાઓનો અભાવ તેમજ પ્રશ્નોના નિરાકરણ બાબતે સવાલો ઉઠ્યા હતા
ગાંધીનગર, 15 જૂન : લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યાં છે.તેમણે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કર્મયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જન સંવેદનાલક્ષી અભિગમ અપનાવ્યો છે.તેઓ આ અભિગમને આગળ ધપાવતાં શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. જે બાદ આજે આ કચેરીના મામલતદાર પ્રતિભા શાહની તાત્કાલીક બદલી કરી દેવામાં આવી છે.
આણંદથી CM ખેડા પહોંચ્યા હતા
મુખ્યમંત્રી આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે ગયા હતા. તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા.ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી.
મુખ્યમંત્રીએ કર્યા હતા સૂચનો
મુખ્યમંત્રીએ તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. બિનજરૂરી કોઈપણ નોંધ નામંજૂર ન થાય તેમજ તકરારી નોંધ સહિતની નોંધનો સમયસર નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપી હતી. તેમણે ખેડૂતો દસ્તાવેજ નોંધણી કરાવે તે જ દિવસે ઈ-ધરા કેન્દ્રમાં તેની ઓટોજનરેટ નોંધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો કર્યા હતા.