બાબર સ્વાર્થી અને સત્તા ભૂખ્યો હોવાનું કહેતો આફ્રિદી
15 જૂન, લાહોર: યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝની યજમાનીમાં ચાલી રહેલા ICC T20 World Cup 2024માંથી પાકિસ્તાનની ઘરવાપસી નક્કી થઇ ગઈ છે. જ્યારે પણ પાકિસ્તાનની ટુર્નામેન્ટ પૂર્ણ થશે ત્યારે જ તે પોતાનું મોઢું ખોલશે એવી ખાતરી આપનાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ કેપ્ટન બાબર આઝમ વિરુદ્ધ ખૂબ મોટો ખુલાસો કર્યો છે. બાબર સ્વાર્થી અને સત્તા ભૂખ્યો હોવાનું આફ્રિદીએ કહ્યું છે.
જ્યારે પાકિસ્તાન આ ટુર્નામેન્ટમાં યુએસએ અને ભારત સામે શરમજનક રીતે હારી ગયું હતું ત્યારે એક અન્ય પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને ઓલરાઉન્ડર વસીમ અક્રમે પણ કહ્યું હતું કે પાકિસ્તાની ટીમમાં બધું બરોબર ચાલી નથી રહ્યું અને બાબર તેમજ શાહીન આફ્રિદી વચ્ચે બોલવાના પણ સંબંધો નથી.
આ સમયે એક ટીવી ચેનલ પર શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે તે હમણાં કશું નહીં બોલે પરંતુ જ્યારે પાકિસ્તાની ટીમની ટુર્નામેન્ટ પૂર્ણ થઇ જશે પછી બોલશે કારણકે અત્યારે જો તે કશું બોલશે તો તે પોતાના જમાઈ એટલેકે શાહિન શાહ આફ્રિદીની તરફેણ કરી રહ્યો હોય એવી છાપ પડશે.
હવે પાકિસ્તાન આયરલેન્ડ સામેની તેની છેલ્લી મેચ રમ્યા બાદ સ્વદેશ પરત ફરશે તે પાક્કું થઇ ગયું છે એટલે શાહિદ આફ્રિદીએ પોતાનું મંતવ્ય આપ્યું છે. આફ્રિદીએ પોતાની યુટ્યુબ ચેનલ પર બાબર સ્વાર્થી અને સત્તાનો ભૂખ્યો હોવાનો બહુ મોટો આરોપ મૂક્યો છે. પોતાના આરોપના સમર્થનમાં આફ્રિદીએ કહ્યું હતું કે જ્યારે 2023નો પચાસ ઓવરનો વર્લ્ડ કપ જેમાં પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ નીવડ્યું હતું ત્યારબાદ ટીમમાં પરિવર્તન લાવવાના નામે બાબરને કપ્તાનીમાંથી હટાવીને શાહિનને કપ્તાન બનાવવામાં આવ્યો હતો.
પરંતુ ત્યારબાદ શાહિનની કપ્તાનીમાં ન્યૂઝીલેન્ડ સામે એક સિરીઝ હાર્યા બાદ ફરીથી બાબરને ટીમનો કપ્તાન બનાવી દેવામાં આવ્યો હતો. આ સમયે બાબરે PCBને એમ કહેવું જોઈતું હતું કે જ્યારે તમારી લાંબાગાળાની સ્કીમમાં શાહિન આફ્રિદી કેપ્ટન તરીકે છે તો પછી તેને જ કેપ્ટન બનેલો રહેવા દો અને મને તેની કપ્તાનીમાં રમવાનો કોઈજ વાંધો નથી.
પરંતુ બાબરે એવું ન કર્યું અને તેને પરત આપવામાં આવેલું કેપ્ટનપદ હસીખુશીથી સ્વીકારી લીધું. આફ્રિદીએ મોટેભાગે વસીમ અક્રમની એ વાતનું પણ એમ કહીને સમર્થન કર્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટુરમાં જ્યારે શાહિન શાહ આફ્રિદી કેપ્ટન હતો ત્યારે ટીમના સભ્યોનો તેને બિલકુલ સાથ-સહકાર મળ્યો ન હતો.