હવે ભારત પણ સ્પેસમાં ફરવા લઈ જશે, ISRO દ્વારા કરવામાં આવી રહી છે તૈયારી
દુનિયાની વિવિધ સ્પેસ એજન્સીઓ સ્પેસ ટુરિઝમ તરફ આગળ વધી રહી છે ત્યારે તેમાં ભારત પણ હવે પાછળ રહેવાનું નથી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISRO લો અર્થ ઓર્બિટમાં માનવ અવકાશ ઉડાન ક્ષમતાના પ્રદર્શન દ્વારા અવકાશ પ્રવાસન તરફ સ્વદેશી ક્ષમતાઓ વિકસાવવાની પ્રક્રિયામાં કામ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે, ભારતમાં ટૂંક સમયમાં સ્પેસ ટુરિઝમ શક્ય બનશે.
જો કે સ્પેસ ટુરિઝમ હાલમાં ખૂબ ખર્ચાળ છે. આ વર્ષે એપ્રિલમાં અમેરિકન કંપની Axiom Space એ 3 બિઝનેસમેનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISI)ની યાત્રા કરાવી હતી. એક યાત્રી પાસેથી લગભગ 420 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. હાલમાં Axiom Space અને SpaceX જેવી કંપનીઓ અમેરિકન સ્પેસ એજન્સી NASAના સહયોગથી આ સેક્ટરમાં માર્કેટ બનાવવામાં વ્યસ્ત છે.
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)એ પણ આ પ્રવૃત્તિઓમાં ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી વધારવાની માંગ કરી છે જેમાં અવકાશ પ્રવાસન પણ સામેલ છે. અંતરિક્ષ કૂટનીતિ અંગેના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ઈસરોએ અંતરિક્ષ પ્રવૃત્તિઓના વિવિધ ક્ષેત્રોમાં 61 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંબંધોને આગળ વધાર્યો છે.
આ પણ વાંચો : અઝીમ પ્રેમજીના પિતાએ પાકિસ્તાન જવાનું આમંત્રણ પણ સ્વીકાર્યું ન હતું, શું છે આ ઘટના ?
જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અંતરિક્ષ વિભાગ એક વ્યાપક ઈન્ટિગ્રેટેડ સ્પેસ પોલિસી તૈયાર કરવાની પ્રક્રિયામાં છે જે પ્રાઈવેટ સ્પેસ ઈન્ડસ્ટ્રીની ગતિવિધિઓને માર્ગદર્શન આપશે. નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) એ અંતરિક્ષ વિભાગ હેઠળ સ્પેસ રિસર્ચના ક્ષેત્રમાં પ્રાઈવેટ સેક્ટરને સામેલ કરવા અને અધિકૃત કરવા માટે એક સિંગલ વિન્ડો એજન્સી છે. ISRO મિશન ગગનયાન (Mission Gaganyaan) હેઠળ પોતાની પ્રથમ માનવ અંતરિક્ષ ઉડાન પર પણ કામ કરી રહ્યું છે. તાજેતરમાં જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન આવતા વર્ષ સુધીમાં મનુષ્યને અવકાશમાં મોકલવાની સિદ્ધિ હાંસલ કરી લેશે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આગામી વર્ષે ભારતના 2 એસ્ટ્રોનોટ ISRPના મિશન ગગનયાન હેઠળ અંતરિક્ષમાં જશે. આ વર્ષના અંત સુધીમાં બે પરીક્ષણો હાથ ધરવામાં આવશે. પ્રથમ પરીક્ષણમાં માનવરહિત યાનને સ્પેસમાં મોકલવામાં આવશે. જ્યારે બીજી વખત આ યાન રોબોટ સાથે સ્પેસમાં જશે. આ રોબોટને વ્યોમિત્ર નામ રાખવામાં આવ્યું છે. ટ્રાયલના પરિણામોનું વિશ્લેષણ કર્યા બાદ ISRO માનવ અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલવા પર અંતિમ નિર્ણય લેશે.