વિશેષસ્પોર્ટસ

ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાનો કોચ બનાવો પણ…: અનીલ કુંબલે

Text To Speech

15 જૂન, બેંગલુરુ: અત્યારે તો સમગ્ર દેશ પર ICC T20 World Cup 2024નો ખુમાર છે, પરંતુ જ્યારે IPL ચાલી રહી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના નવા કોચ વિશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. આ ચર્ચામાં KKRના મેન્ટર અને પૂર્વ ભારતીય ઓપનીંગ બેટ્સમેન ગૌતમ ગંભીરનું નામ સહુથી વધુ લેવાઈ રહ્યું હતું. BCCI પણ ગંભીરને કોચ બનાવવા માંગે છે એવી વાત પણ થઇ રહી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને કોચ અનીલ કુંબલે આ બાબતે થોડો અલગ વિચાર ધરાવે છે.

અનીલ કુંબલે માને છે કે ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે આમ તો સર્વથા યોગ્ય ઉમેદવાર છે પરંતુ તેમને કોઈ રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપવાનો અનુભવ નથી. કુંબલેનું કહેવું છે કે કેપ્ટન તરીકે ગૌતમ ગંભીરે KKRને બે વખત અને મેન્ટર તરીકે એક વખત IPLની ટ્રોફી જીતાડી આપી છે.

આમ તેમનામાં નેતૃત્વના ગુણ તો છે જ પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ નેશનલ ટીમનો કોચ બને ત્યારે તેનો અનુભવ અલગ હોય છે. જોકે આમ કહીને અનીલ કુંબલેએ ગૌતમ ગંભીરને ટીમના કોચ બનાવવાનો વિરોધ નથી કર્યો પરંતુ તેમનો વિચાર અલગ રીતનો છે. કુંબલેનું માનવું છે કે કોઇપણ વ્યક્તિ ટીમ ઇન્ડિયાના કોચ તરીકે પ્રથમવાર આવે અને ખાસ કરીને તેની પાસે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં કોચિંગનો અનુભવ વધુ હોય તો તેને સેટલ થવા માટે વધુ સમય આપવો જોઈએ.

ગૌતમ ગંભીરનો પ્લસ પોઈન્ટ એ છે કે તેઓ ટીમ ઇન્ડિયાના ઘણા ખેલાડીઓ સાથે રમ્યા છે અને તેમને રીટાયર થયે બહુ લાંબો સમય નથી વીત્યો. આથી તેઓ ટીમના હાલના સ્ટાર ખેલાડીઓ સાથે સારું કામ પાર પાડી શકશે તેવો કુંબલેને વિશ્વાસ છે. ગૌતમ ગંભીર સામે રહેલા પડકારો વિશે કુંબલેએ કહ્યું હતું કે તેમણે પોતાના ત્રણ વર્ષના કાર્યકાળમાં ફક્ત અત્યારની ટીમ વિશે જ ધ્યાન નથી રાખવાનું પણ તેમણે ભવિષ્યની ટીમને પણ બનાવવાની છે જે એટલું સહેલું નહીં હોય.

અનીલ કુંબલેએ પોતાના મિત્ર અને પૂર્વ સાથી ખેલાડી અને ટીમ ઇન્ડિયાના હાલના કોચ રાહુલ દ્રવિડના કોચિંગની પ્રશંસા કરી હતી. દ્રવિડ હાલમાં ચાલી રહેલા વર્લ્ડ કપ બાદ કોચ તરીકે નિવૃત્ત થઇ જવાનાં છે.

Back to top button