અમરેલીમાં શ્રમિકની દોઢ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ માટે મેગા ઓપરેશન શરૂ
અમરેલી, 14 જૂન 2024, સુરગપરા ગામમાં શ્રમિકની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ઉંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની છે. બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા માટે તંત્ર દોડતુ થઈ ગયું છે. ફાયર બ્રિગેડ અને 108ની ટીમોએ ઘટના સ્થળે પહોંચીને બાળકીને બચાવવા મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. બાળકીને બચાવવા માટે હાલમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યો છે.
બાળકી બોરમાં 45 થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન
પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં ખુલ્લા બોરમાં પડી ગઇ છે. જેની જાણ થતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે. બાળકી બોરવેલમાં 45 થી 50 ફુટ ઊંડે ફસાઇ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા બાળકીને બચાવવા માટે મેગા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે.
અગાઉ જામનગરમાં આવી ઘટના બની હતી
અગાઉ જામનગરના તમાયણ ગામે બોરમાં બાળકી પડી જવાનો કેસ સામે આવ્યો હતો. જેમાં વાડી માલિક ચંદુ ગોહીલ સામે ગુનો નોંધાયો હતો. બિનઉપયોગી બોર ખુલ્લા રાખવા બદલ ગુનો દાખલ થયો હતો. બાળકીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ચંદુ ગોહિલની વાડીમાં ખુલ્લો બોર હતો. જેમાં પડી જવાથી રોશની નામની શ્રમિકની બાળકીનું મૃત્યુ થયુ હતુ. સતત 21 કલાક દિવસને રાત રેસ્કયુ ઓપરેશન ચાલ્યુ હતુ. રેસ્કયુ ઓપરેશન બાદ રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.પરંતુ તેનો જીવ ના બચાવી શક્યો. મૃત હાલતમાં રોશનીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી હતી.
આ પણ વાંચોઃબોરવેલમાં પડી ગયેલા છ વર્ષના મયંકને બચાવવા સમગ્ર તંત્ર કામે લાગ્યું