અમદાવાદ, 14 જૂન 2024, શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. ભારે વાહનો શહેરમાં બેફામ પણે દોડી રહ્યાં છે. શહેરમાં વર્ષ 2024માં જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીમાં કુલ 452 અકસ્માતો સર્જાયા છે, જેમા 108 વ્યક્તિઓના મોત, 229ને ગંભીર ઈજાઓ જ્યારે 115ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ત્યારે આજે હેલ્મેટ બ્રિજ પર સવારે ટુ વ્હીલર પર જતી એક યુવતીને ખાનગી બસના ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે તાત્કાલિક ટ્રાફિક બંધ કરાવી બ્રિજ નીચેથી ડાયવર્ટ કર્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મેમનગર વિસ્તારમાં હેલ્મેટ બ્રિજ પર ખાનગી બસના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી યુવતી નીચે પટકાઈ હતી. જેમાં એક યુવતીને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી. આ ઘટનાની ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.બ્રિજની વચ્ચે અકસ્માત થતાં યુવતીનો મૃતદેહ પણ રસ્તાની વચ્ચે પડ્યો હોવાના કારણે પોલીસે તાત્કાલિક ટ્રાફિક બંધ કરાવી બ્રિજ નીચેથી ડાયવર્ટ કર્યો હતો.
થલતેજમાં પણ તાજેતરમાં નબીરાએ સગીરાને ટક્કર મારી હતી
થોડા દિવસ પહેલા જ થલતેજમાં એક સગીરાને એક નબીરાએ મોંઘીદાટ ગાડીથી ટક્કર મારતા સગીરાનું મોત નીપજ્યુ હતું. થલતેજની સાંદીપની સોસાયટીમાં રહેતી સગીરા સાંજે પોતાના કામથી સોસાયટીમાંથી ચાલીને બહાર નીકળી હતી. ત્યારે એક સગીર ફોર્ચ્યુનર ગાડી લઈને બેફામ રીતે આવી રહ્યો હતો અને ચાલતી જઈ રહેલી સગીરાને ટક્કર મારી હતી. સગીરાને ટક્કર વાગતા જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃગુજરાત આવવા નીકળેલા શ્રમિકોને નડ્યો અકસ્માત, પાંચનાં મૃત્યુ