T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપવિશેષસ્પોર્ટસ

પૂર્વ સાથી ખેલાડી દ્વારા બાબરની આકરી ટીકા એક વિડીયો દ્વારા વાયરલ થઇ

14 જૂન, લાહોર: લાગે છે કે પાકિસ્તાન ક્રિકેટમાં કેપ્ટન બાબર આઝમ વિરુદ્ધ ઉકળતો ચરુ હવે ગમે ત્યારે ફાટી જશે. જ્યારથી યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં ICC T20 World Cup 2024 શરુ થયો છે ત્યારથી જ પૂર્વ પાકિસ્તાની ખેલાડીઓ બાબર આઝમની પાછળ પડી ગયા છે. તેમાં પણ પૂર્વ સાથી ખેલાડી અહમદ શેહઝાદ દ્વારા બાબરની આકરી ટીકા થતી હોય તેવો એક વિડીયો આજકાલ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.

જ્યારે પણ વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટ હોય ત્યારે પાકિસ્તાનના લોકપ્રિય ટીવી નેટવર્ક જીઓ ન્યૂઝ પર હારના મના હૈ નામનો પ્રોગ્રામ ખૂબ ચાલે છે. આ કાર્યક્રમનો હોસ્ટ તબીશ હાશમી પોતાની સેન્સ ઓફ હ્યુમર દ્વારા તમામના દિલ જીતી લેતો હોય છે. આટલું જ નહીં તબીશ પોતાની તટસ્થતા માટે પણ જાણીતો છે.

જ્યારથી પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં યુએસએ સામે હાર્યું છે ત્યારથી તબીશ હાશમીના આ કાર્યક્રમમાં અહમદ શેહઝાદ બાબરની આકરી ટીકા કરી રહ્યો છે. પરંતુ જ્યારથી પાકિસ્તાન ભારત સામે હાર્યું છે અને કેનેડા સામે જોઈતો ટાર્ગેટ 14 ઓવરમાં પૂર્ણ ન કરી શક્યું ત્યારથી શેહઝાદ હવે અત્યંત ગુસ્સામાં આવી જઈને બાબર વિશે બોલી રહ્યો છે. હવે ફ્લોરિડા ખાતે આયરલેન્ડ સામેની પાકિસ્તાનની મેચ ધોવાઇ જશે તેવા સમાચાર જ્યારથી આવ્યા છે ત્યારથી તો અહમદ શહેઝાદના શબ્દોમાં બાબર વિશે કડવાશ વધી ગઈ છે.

અહમદ શેહઝાદે હાલમાં જ હારના મના હૈના તાજા એપિસોડમાં T20Iમાં પોતાના અને બાબર આઝમના આંકડાઓ દેખાડીને કહ્યું હતું કે પોતે બાબરથી બહેતર T20 ખેલાડી છે. જોકે શેહઝાદ દ્વારા દર્શાવવામાં આવેલા આંકડાઓ એ સાબિત પણ કરતા હતા. પરંતુ બાદમાં શેહઝાદે બાબરને ફેક કિંગ કહ્યો હતો જેણે પાકિસ્તાનમાં જબરદસ્ત વિવાદ ઉભો કરી દીધો છે.

આપણે જાણીએ છીએ કે બાબર આઝમને તેના ચાહકો કિંગ તરીકે ઓળખે છે, પરંતુ તેના ટીકાકારો આ બાબતે સહમત થતા નથી. હાલમાં બાબરનું ફોર્મ જોતાં શેહઝાદે તેને ફેક કિંગ કહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરંતુ અહમદ શેહઝાદ અહીં જ અટક્યો નહીં તેણે ત્યાં સુધી કહ્યું કે બાબરે કપ્તાની દ્વારા ટીમનું સત્યાનાશ વાળી દીધું છે.

અહમદ શેહઝાદનું માનવું છે કે બાબરે વ્હાલાં દવલાંની નીતિ અપનાવી છે જેને લીધે ટીમ સારો દેખાવ કરી શકતી નથી. પરંતુ શેહઝાદના ટીકાકારોનું કહેવું છે કે બાબરે તેને પોતાની ટીમમાં ન રમાડ્યો એટલે બદલો લેવા માટે તે આવું બોલી રહ્યો છે.

Back to top button