ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

વરસાદની ઉ.ગુજરાતમાં ધુંઆધાર બેટિંગ : થરાદમાં 10 કલાકમાં આઠ ઇંચ, જાણો શું છે સ્થિતિ તમામ વિસ્તારમાં

Text To Speech

હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 10 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠાથી લઈ કચ્છ મહેસાણામાં વરસાદની ધુંઆધાર બેટિંગ જોવા મળી હતી. જેમાં શુક્રવારની રાતથી સવાર સુધીમાં ભારે વરસાદ થયો હતો. જેના પગલે થરાદમાં છેલ્લા દસ કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે માર્ગો ઉપર અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. હાઈવે ઉપર પણ ઠેર-ઠેર પાણી ભરાતા વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા.જ્યારે નિચાણ વાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા. વાવમાં તીર્થગામ વીજ કંપનીની ઓફિસમાં પાણી ભરાયું હતું. ભારે વરસાદને લઈને વાવ તાલુકાના તીર્થગામમાં આવેલ યુજીવીસીએલની 66 કેવીની ઓફિસમાં એક ફૂટ પાણી ભરાઈ ગયા હતા.

અહીંના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગળકાવ થયા હતા. વીજ કંપનીની ઓફિસમાં એક ફૂટ જેટલું પાણી ભરાતા કર્મચારીઓને હલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભાભર પંથકમાં 24 કલાકમાં પાંચ ઇંચ વરસાદ થતાં અહીંના વાજપુર સહિત આજુબાજુના ગામોમાં ભારે વરસાદી પાણી ભરાયા હતા. ખેતરોમાં પણ એક થી દોઢ ફૂટ જેટલા પાણી ભરાતા ખેતરો તરબતર બન્યા હતા.

Banaskantha rain

પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

પાલનપુર શહેરના ડેરી રોડ વિસ્તારમાં આવેલ કુંવરબા શાળા, શ્રીરામ હાઇસ્કુલ જવાના માર્ગ ઉપર પણ પાણી ભરાતા આ માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જ્યારે શહેરના કમાલપુરા, ઢાળવાસ, પથ્થર સડક, ગઠામણગેટ તેમજ ધોધમાર વરસાદથી શહેરની વચ્ચે આવેલ શાકમાર્કેટ અને સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાતા દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. જયારે પાલનપુર -આબુ હાઇવે રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહનોને થંભી જવાની ફરજ પડી હતી અને ટ્રાફિકજામ થયો હતો. જેને લઈને વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

જ્યારે રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. પાણીની આવક વધતા દાંતીવાડા ડેમમાં પાણી આવવાની આશા બંધાઈ છે. વરસાદની અછત વચ્ચે બનાસ નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જ્યારે બનાસ નદીમાં પાણી આવતા અનેક પશુપાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.

Banaskantha rain

મહેસાણામાં મેઘરાજાની તોફાની બેટિંગ

મહેસાણામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. મહેસાણામાં ગત 24 કલાકમાં કડીમાં ચાર ઈંચ, જોટાણામાં ચાર ઈંચ તેમજ ઉંઝા, વિજાપુરમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો છે. મહેસાણા શહેરના બે ભાગને જોડતો ગોપીનાથ અને ભમ્મરીયા નાળામાં કેડસમા પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. શહેરના નાગલપુર હાઇવે, ધરમ રોડ, અર્બન રોડ, વિસનગર લિંક રોડ, હીરાનગર રોડ સહિતના અનેક માર્ગો પર પાણી ભરાયા. ચાર દિવસ અગાઉ જ 147 કરોડના ખર્ચે લોકાર્પણ કરાયેલા અંડર પાસમાં પણ કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક ફસાઈ હતી.

Banaskantha rain

રાધનપુરમાં જળબંબાકારની સ્થિતિ

પાટણ જિલ્લાના રાધનપુરમાં ગતરાતે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાધનપુરમાં છ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવી મળી રહી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Banaskantha rain 04

મહિસાગરમાં સાર્વત્રિક વરસાદ

મહિસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. મહિસાગરના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, બાલાશિનોર તેમજ વીરપુરમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી કડાણા ડેમ અને ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે. જીલ્લામાં અન્ય નાના મોટા 22 જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે.

આ પણ વાંચો : દ.ગુજરાતમાં ભારે વરસાદ, વલસાડ થી લઈ ભરૂચ સુધી કેવી છે સ્થિતિ ?

Back to top button