શું વિરાટ કોહલીની નબળાઈ અન્ય ટીમોએ પકડી લીધી છે? – જાણો સમગ્ર મામલો
14 જૂન, અમદાવાદ: વિરાટ કોહલીને હાલમાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા ICC T20 World Cup 2024માં ત્રણેય મેચોમાં નિષ્ફળતા મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફ્લોરિડા ખાતે કેનેડા સામે રમાનારી મેચ કદાચ વરસાદ છીનવી લેશે. તો શું આવામાં વિરાટ કોહલી Super 8s રાઉન્ડમાં વગર ફોર્મ સાથે પ્રવેશ કરશે? જે રીતે તે ત્રણેય ઇનિંગમાં આઉટ થયો છે તે એવું દર્શાવે છે કે ટીમોએ વિરાટ કોહલીની નબળાઈ પકડી લીધી છે અને તેનો જ તેઓ લાભ ઉઠાવી રહ્યા છે.
આપણે વિરાટ કોહલીની આયરલેન્ડ, પાકિસ્તાન અને યુએસએ એમ ત્રણેય ટીમો સામે આઉટ થવાની રીત જોઈએ તો તે એક સરખી છે. વિરાટ કોહલી આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ જતા બોલને અડવાથી પોતાની જાતને રોકી શકતો નથી. આથી યા તો એ સ્લીપમાં અથવાતો વિકેટ કીપર દ્વારા કેચ આઉટ થઇ રહ્યો છે. જો કે પાકિસ્તાન સામે તે પોઈન્ટ પર કેચ આપી બેઠો હતો.
પરંતુ પાકિસ્તાન સામે પણ તે આઉટ તો આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પની બહાર જતા બોલને જ મારી રહ્યો હતો તે હકીકત છે. એક રીતે ભારતમાં મોટાભાગના મહાન બેટ્સમેનો પછી તે સુનીલ ગાવસ્કર હોય, સચિન તેન્દુલકર હોય કે વિરાટ કોહલી આ તમામની નબળાઈ આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પના બોલની રહી છે જેનો ઈતિહાસ સાક્ષી છે.
તેન્ડુલકરે તો 2004ની ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટ મેચમાં આઉટ સાઈડ ધ ઓફ સ્ટમ્પ જતા બોલને ન રમવાનું નક્કી કરીને ડબલ સેન્ચુરી બનાવી હતી. વિરાટ કોહલીની નબળાઈ ભલે ઓફ સ્ટમ્પની બહાર જતો બોલ હોય પણ તે ચોથા કે પાંચમાં સ્ટમ્પ પર રહેલા બોલને પણ મારવાની કોશિશ કરે છે જે ખતરનાક છે. સામાન્ય રીતે બેટ્સમેન આ પ્રકારના બોલને છોડી દેતા હોય છે.
આવું નથી કે વિરાટની આ નબળાઈનો ફાયદો ટીમો પહેલીવાર ઉઠાવી રહી છે. અગાઉ 2014માં જ્યારે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે ઇંગ્લેન્ડના બોલર્સે વિરાટના આ માઈનસ પોઈન્ટનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો અને એ સમગ્ર ટેસ્ટ સિરીઝમાં વિરાટ ફક્ત 137 રન્સ જ બનાવી શક્યો હતો.
આપણે આશા રાખીએ કે વિરાટ પણ પોતાની આ ભૂલને સુધારવાનો પ્રયાસ કરતો જ હશે કારણકે જો તે ફોર્મમાં પરત આવશે તો ભારતના આ વર્લ્ડ કપ જીતવાના ચાન્સીઝ બમણા થઇ જશે એ પણ હકીકત છે.