ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રિયાસી આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોની કાર્યવાહી: 50 શંકાસ્પદોની કરી અટકાયત

  • પોલીસ અને સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું 

કાશ્મીર, 14 જૂન: જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે ખીણના રિયાસી જિલ્લામાં શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસના સંદર્ભમાં 50 થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ બાદ, અટકાયત કરાયેલા લોકો પાસેથી મહત્ત્વની કડીઓ મળી છે, જેનાથી હુમલાના ગુનેગારોને ઓળખવામાં અને તેમની ધરપકડ કરવામાં મદદ મળી છે.

 

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, આતંકી હુમલા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે અર્નાસ અને મહોરના દૂરના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારો 1995 થી 2005 વચ્ચે આતંકવાદીઓના ગઢ હતા.

માતા વૈષ્ણો દેવી મંદિર જતી બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો

ઉલ્લેખનીય છે કે, રવિવારે 9 જૂનના રોજ સાંજે, કટરામાં માતા વૈષ્ણો દેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને લઈ જતી 53 સીટર બસ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે પછી બસ ખીણમાં પડી હતી, જેમાં એક સગીર સહિત 10 લોકોના મોત થયા હતા અને 30થી વધુ ઘાયલ થયા હતા. બસમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ હુમલા બાદ સુરક્ષાદળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશનનો ઉદ્દેશ્ય પુરાવા એકત્ર કરવાનો અને આ દુર્ગમ વિસ્તારોમાં છુપાયેલા આતંકવાદીઓ સુધી પહોંચવાનો છે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, “કાયદા અમલીકરણ એજન્સીઓ ગુનેગારોને ન્યાય અપાવવા અને વિસ્તારના તમામ રહેવાસીઓ અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.” આ દરમિયાન જમ્મુ-કાશ્મીર પોલીસે ડોડા જિલ્લામાં હુમલામાં સામેલ 4 આતંકવાદીઓના સ્કેચ પણ જાહેર કર્યા છે. આ ઉપરાંત, તેની ધરપકડ કરવા તરફ દોરી જાય તેવી માહિતી આપનારને 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

ગુપ્તચર એજન્સીઓ દ્વારા વધુ હુમલા થવાની ચેતવણી!

રાજૌરી અને જમ્મુ જિલ્લાના સુંદરબની, નૌશેરા, ડોમના, લામ્બેરી અને અખનૂર વિસ્તારો સહિત ખીણના કેટલાક જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે કારણ કે ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા દળો પર આતંકવાદી સંગઠનો દ્વારા વધુ હુમલાની ચેતવણી આપી છે. અધિકારીઓએ કહ્યું કે, ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદી સંગઠનો દ્વારા સુરક્ષા દળોના કેમ્પ અને સંસ્થાનો પર આત્મઘાતી હુમલાની યોજના અંગે ચેતવણી આપી છે. આ અંગે વધુ સાવચેત રહેવા જણાવ્યું છે.

આ પણ જુઓ:  કુવૈતમાં મૃત્યુ પામનાર 45 ભારતીયોના મૃતદેહો વતન લાવવા કવાયત

Back to top button