T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

કેનેડા સામેની મેચ બાદ ગિલ અને આવેશ કેમ ભારત પરત આવશે?

Text To Speech

14 જૂન, મુંબઈ: ગઈકાલે મોડી સાંજે BCCI દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભારતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર આવેશ ખાન કેનેડા સામેની ટીમ  ઇન્ડિયાની મેચ પત્યા બાદ ભારત પરત આવશે. ગિલ અને આવેશ હાલમાં યુએસએ અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાઈ રહેલા ICC T20 World Cup 2024માં ટીમ ઇન્ડિયાના રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે છે. જોકે ટીમ સાથે ગયેલા અન્ય બે રિઝર્વ ખેલાડીઓ રીંકુ સિંઘ અને ખલીલ અહેમદ ટીમ સાથે જ આ વર્લ્ડ કપ પૂર્ણ થાય ત્યાં સુધી રહેશે.

ગિલ અને આવેશ ભારત પરત ફરી રહ્યા હોવાના સમાચારે ઘણા ક્રિકેટ ફેન્સને ચોંકાવી દીધા હતા. પરંતુ તેમને પરત મોકલવાનો નિર્ણય ICC દ્વારા સેટ કરવામાં આવેલા નિયમ અનુસાર જ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઈ પણ ક્રિકેટ બોર્ડ વધારાના ખેલાડીઓ પાછળ થતો ખર્ચ લાંબો સમય સુધી કરવા ઇચ્છતું નથી હોતું.

કારણકે વિદેશમાં રહેલા ટીમના કોચ, કેપ્ટન અને અન્ય મેનેજમેન્ટના સભ્યોને યોગ્ય લાગે કે રિઝર્વ ખેલાડીઓમાંથી આ બે ખેલાડીઓની જરૂર નથી એટલે તેઓ બોર્ડને તે બાબતે સંદેશ આપી દેતા હોય છે. આ પાછળનું કારણ એ  હોય છે કે ભલે રિઝર્વ ખેલાડીઓ રમવાના ન હોય પરંતુ તેમની પાછળ ટીમના સ્ટાફ અને મેનેજમેન્ટે પોતાનું ધ્યાન તો સતત રાખવું જ પડતું હોય છે. આથી વિદેશ પ્રવાસમાં જેટલા ઓછા સભ્યો હોય તે જ ટીમ મેનેજમેન્ટ માગિલ અને ટે યોગ્ય રહેતું હોય છે.

બીજી તરફ જ્યારે કોઈ ખેલાડી ટુર્નામેન્ટમાં રમવાનો જ ન હોય તો તેની પાછળ તેની હોટેલ, ખાવાપીવાનો નાહકનો ખર્ચ બોર્ડ પણ શું કરવા કરે? આથી બોર્ડ પણ વિદેશમાં રમાતા વર્લ્ડ કપ જેવા લાંબા ફોર્મેટની વચ્ચે ટીમ મેનેજમેન્ટને કયા કયા રિઝર્વ ખેલાડીઓની તેમને જરૂર છે અને જરૂર નથી તેનું મંતવ્ય પૂછતું હોય છે.

આમ શુભમન ગિલ અને આવેશ ખાન વિશે હાલમાં અમેરિકા સ્થિત મેનેજમેન્ટને લાગ્યું હશે કે તેમના કરતાં રીંકુ સિંઘ અને ખલીલ અહેમદની ટીમને વધુ જરૂર છે એટલે તેમણે પોતાનો નિર્ણય જણાવી દીધો હશે.

ભારત કેનેડા સામેની પોતાની અંતિમ લીગ મેચ શનિવારે ફ્લોરિડા ખાતે લાઉડરહિલમાં રમશે, જ્યાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારતની કેનેડા સામેની મેચ પણ ધોવાઇ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button