ક્રિકેટર-સાંસદ યુસુફ પઠાણ ઉપર વડોદરામાં સરકારી જમીન પર કબજો કર્યાનો આરોપ
- યુસુફ પઠાણે ગેરકાયદે કબજો કર્યો હોવાના આક્ષેપથી વિવાદ
- કોર્પોરેશનને મંજૂરી નહોતી આપી છતાં સરકારી જમીન ઉપર બાંધકામ કરી દીધું
HD ન્યૂઝ ડેસ્ક, 6 જૂન, ભારતીય ક્રિકેટ ટીમમાં રમી ચૂકેલા ક્રિકેટર અને તાજેતરમાં પશ્રિમ બંગાળની બેહરામપુર લોકસભા બેઠક પરથી સાંસદ બનેલા ક્રિકેટર યુસુફ પઠાણની મુશકેલી વધી ગઈ છે કારણે કે તે એક વિવાદમાં સપડાયા છે. વડોદરા કોર્પોરેશનના પ્લોટ પર યુસુફ પઠાણે ગેરકાયદે કબજો કર્યો હોવાના આક્ષેપથી વિવાદ ઉભો થયો છે. વડોદરામાં તેમણે સરકારી માલિકીની જમીન પર કબજો કર્યો હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના એક પૂર્વ કોર્પોરેટરે કરી છે. તેમણે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખીને મુદ્દો ઉઠાવ્યો અને જમીન ખુલ્લી કરાવીને કોર્પોરેશન હસ્તક લેવાની માંગ કરી.
સરકારે દરખાસ્ત નામંજૂર કરી, છતાં પ્લોટ પર દબાણ
વડોદરાના તાંદલજામાં આવેલ શુભમ પાર્ટી પ્લોટ નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો એક પ્લોટ આવેલો છે. આ પ્લોટ નંબર 90ની બાજુમાં આવેલ પ્લોટ નંબર 91 પર યુસુફ પઠાણે બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે કોર્પોરેશન પાસે પ્લોટ નં. 90ની માંગણી કરી હતી. આ માટે પછીથી તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની ભલામણ સાથે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તમાં સુરક્ષાની દ્રષ્ટિએ ખાસ કિસ્સામાં જાહેર હરાજી કર્યા વગર પ્રતિ ચોરસ મીટર ₹57,270ના ભાવે યુસુફ મહેમુદ પઠાણને રહેણાંક હેતુથી જમીનની ફાળવણી કરવા અને આ માટે સરકારમાંથી મંજૂરી મેળવવા તેમજ 99 વર્ષના ભાડાપટ્ટેથી જામીન ફાળવવા માટેની તમામ સત્તાઓ કમિશનરને આપવા માટે ભલામણ કરવામાં આવી હતી.
કોર્પોરેશનની સામાન્ય સભાએ મંજૂર કરેલી દરખાસ્ત સરકારે નામંજૂર કરી હતી તેમ છતાં યુસુફ પઠાણે પ્લોટ પર દિવાલ બનાવી કબજો કર્યો હોવાનો આક્ષેપ થયો છે. યુસુફ પઠાણે 2012માં આ જમીન વેચાણે લેવાની માગણી કરી હતી. કોર્પોરેશને યુસુફ પઠાણને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો.
દીવાલ અને તબેલો બાંધી દીધો હોવાનો આક્ષેપ
પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્થાયી સમિતિના અધ્યક્ષને અરજી કરીને ફરિયાદ કરી છે કે રાજ્ય સરકારે પ્લોટ નં. 90 ફાળવવાની ના પાડી હોવા છતાં ત્યાં કમ્પાઉન્ડ વૉલ કરીને પઠાણે બગીચો અને તબેલો બનાવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકારની મંજૂરી વગર જમીન પર કબજો કઈ રીતે થઈ શકે? ફરિયાદ છે કે યુસુફ પઠાણ આજે પણ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ નેતાએ માંગ કરી આ સરકારી જમીન ખુલ્લી કરાવીને તેનો કબજો મેળવી લેવામાં આવે અને ફરી કોર્પોરેશન હસ્તક કરવામાં આવે. તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચો..જ્યાં ગઈકાલે ભારતે યુએસએને હરાવ્યું ત્યાં આજે બુલડોઝર ફરી વળશે!