વિશેષસ્પોર્ટસ

કતરની અંચાઈ વિરુદ્ધ AIFF કરશે ફરિયાદ; ખોટો ગોલ કરીને ભારતને ઈતિહાસ રચતા રોક્યું હતું

Text To Speech

13 જૂન, નવી દિલ્હી: બે દિવસ અગાઉ દોહામાં રમાયેલી FIFA ક્વોલિફાયર મેચમાં યજમાન કતરે એક ગોલ ચીટીંગ કરીને કર્યો હતો જેને કારણે ભારતની FIFA World Cup 2026ના આગલા ક્વોલીફાયિંગ રાઉન્ડમાં પ્રવેશવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. હવે ભારતમાં ફૂટબોલની રમત સંભાળતી સંસ્થા ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન એટલેકે AIFF કતરની  આ ચીટીંગ બાબતે મેદાનમાં આવ્યું છે.

કતરની ચીટીંગને કારણે ભારત એ મેચ 2-1થી હારી ગયું હતું. જો ભારત એ મેચ જીતતું કે પછી ડ્રો પણ કરતું તો ભારત FIFAના આગામી વર્લ્ડ કપના ક્વોલીફાયિંગ રાઉન્ડમાં પ્રવેશ કરતું જે અગાઉ ક્યારેય બન્યું ન હતું. આથી ભારત એ મેચ જીતી અથવા ડ્રો કરીને એક ઈતિહાસ રચી દેત.

ભારત એક સમયે 1-0થી આગળ હતું ત્યારે કતરના યોસેફ આયમાને 73મી મિનિટમાં એક ગોલ કર્યો હતો. પરંતુ રિપ્લે જોતાં ખબર પડી હતી કે આ ગોલ અગાઉ ભારતના ગોલ કીપરે બોલ રોકી લીધો હતો એટલું જ નહીં પરંતુ બોલ મેદાનની બહાર જતો રહ્યો હતો. કતરના ખેલાડીઓએ ચીટીંગ કરતાં બોલને ફરીથી રમતમાં લાવ્યો હતો અને પછી ગોલ કિપરની ગેરહાજરીનો લાભ લઈને ગોલ પોસ્ટમાં નાખી દીધો હતો.

ભારતીય ખેલાડીઓએ આ બાબતે તે સમયે મેદાન પર હાજર સાઉથ કોરિયાના રેફરીઓ સામે વિરોધ કર્યો હતો અને તેમને સાચી પરિસ્થિતિ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ખેલાડીઓની વાત ધ્યાનમાં લીધી ન હતી અને કતરને એ ગોલ એવોર્ડ કરી દીધો હતો.

AIFFના પ્રવક્તાને ન્યૂઝ સંસ્થા PTIને જણાવ્યું હતું કે AIFF દ્વારા મેચ કમિશ્નરને આ ઘટના અંગે ફરિયાદ કરી છે. આ ઉપરાંત ભારતીય ફૂટબોલ સંસ્થાએ આ સમગ્ર ઘટનાક્રમની ઊંડાણથી તપાસ કરવાની પણ માંગણી કરી છે.

ભારતીય ટીમના ક્રોએશિયન કોચ ઇગોર સ્ટીમેક જેમણે ટીમનું કોચ પદ સંભાળતી વખતે વચન આપ્યું હતું કે તેઓ ભારતને FIFA વર્લ્ડ કપ માટેના ત્રીજા ક્વોલિફિકેશન રાઉન્ડમાં પહોંચશે તેમણે જણાવ્યું હતું કે તેઓ આગામી એક કે બે અઠવાડિયામાં પોતાના ભવિષ્ય વિષે વિચારીને નિર્ણય જાહેર કરશે.

સ્વાભાવિક છે કે કતરની મેચમાં આવેલા પરિણામ બાદ ઇગોર પોતાનું વચન પાળી શક્યા નથી, આવામાં તેમણે પોતાનું પદ છોડવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જોકે AIFF દ્વારા ઇગોર પાસે આવી કોઈ માંગણી કરવામાં આવી હોય તેવા કોઈ સમાચાર સામે આવ્યા નથી.

Back to top button