T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝવિશેષસ્પોર્ટસ

શું પાકિસ્તાનની આશાઓ પર ફ્લોરિડા ફેરવશે પાણી? – હવામાન ખાતાએ કરી આગાહી

Text To Speech

13 જૂન, લાઉડરહિલ, ફ્લોરિડા: ગત T20 World Cupમાં અન્ય ટીમોની હારને કારણે પાકિસ્તાનને સેમીફાઈનલમાં પ્રવેશ મળી ગયો હતો અને ત્યારબાદ તે ફાઈનલ પણ રમ્યું હતું. પરંતુ આ વખતે આ રીતે બહારથી કોઈ મદદ પાકિસ્તાનને મળે એવું લાગતું નથી. કારણકે લાઉડરહિલ ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં અત્યારે જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. આથી સમગ્ર પાકિસ્તાનમાં એક જ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે શું તેમની ટીમની આશાઓ પર ફ્લોરિડા પાણી ફેરવશે?

અત્રે એ નોંધનીય છે કે હજી બે દિવસ પહેલાં લાઉડરહિલ ખાતે જ શ્રીલંકા અને નેપાળની મેચ રમાવાની હતી, પરંતુ તે મેચમાં પણ વરસાદ પડ્યો હતો અને મેચ ધોવાઇ ગઈ હતી. આ પરિણામને કારણે શ્રીલંકા ICC T20 World Cup 2024માંથી  બહાર ફેંકાઈ ગયું હતું. હવે એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનની હાલત પણ શ્રીલંકા જેવી જ થશે.

પરંતુ પાકિસ્તાન જેની અંતિમ લીગ મેચ આયરલેન્ડ સામે લાઉડરહિલમાં છે તેને વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જવા માટે એ મેચ સુધી રાહ જોવાની પણ કદાચ જરૂર નહીં પડે. આ પાછળનું કારણ એવું છે કે આવતીકાલે એટલેકે 14મી જુલાઈએ યુએસએ અને આયરલેન્ડની મેચ પણ અહીં જ રમાવાની છે.

અમેરિકાના હવામાન ખાતાની આગાહી અનુસાર આ આખું અઠવાડિયું એટલે કે છેક રવિવાર સુધી આ વિસ્તારમાં જબરદસ્ત વરસાદ પડવાનો છે. અત્યારે પણ લાઉડરહિલ અને તેની આસપાસના વિસ્તારોમાં જાણેકે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં આવતીકાલની અમેરિકા અને આયરલેન્ડની મેચ પણ ધોવાઈ જાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

જો આવું થશે તો યુએસએ અને આયરલેન્ડ બંનેને એક-એક પોઈન્ટ્સ મળશે અને જો આમ બન્યું તો યુએસએના 5 પોઈન્ટ્સ થઇ જશે અને તે ભારત સાથે Super 8s માટે ક્વોલીફાય થઇ જશે. પાકિસ્તાનના હાલમાં ફક્ત 2 પોઈન્ટ્સ છે જે તેને કેનેડાને હરાવીને મળ્યા છે. પરંતુ જો તેની આયરલેન્ડ સામેની મેચ ધોવાઈ જાય તો તેને 1 પોઈન્ટ્સ મળશે અને આથી તેના કુલ 3 પોઈન્ટ્સ થશે અને આ રીતે તેની આ વખતના T20 વર્લ્ડ કપમાંથી વિદાય નક્કી થઇ જશે.

હવામાન ખાતાની આગાહી જો સાચી પડશે તો ભારત અને કેનેડાની મેચ જે 15 જૂન શનિવારે રમાવાની છે તે પણ ધોવાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ભારત પહેલેથી જ આગલા રાઉન્ડમાં ક્વોલીફાય થઇ ગયું છે.

Back to top button