અમદાવાદ: કોર્પોરેશન પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ સાબિત થયું; હાઈકોર્ટમાં AMC સામે 14 વર્ષમાં 211 PIL દાખલ
12 જૂન અમદાવાદ: પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે મ્યુનિ. કોર્પોરેશન લોકોને સેવાઓ આપવામાં નિષ્ફળ નિવડી હોવાના લીધે સામાન્ય નાગરિકો દ્વારા કોર્પોરેશન સામે હાઈકોર્ટમાં છેલ્લા 14 વર્ષમાં 211 જાહેરહિતની અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે નાગરિકોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ પાણી લાઈટ ગટર વગેરે પૂરી પાડવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. અમદાવાદ શહેર કોંગ્રેસના લઘુમતી વિભાગના કાર્યકારી પ્રમુખ એડવોકેટ અતિક સૈયદ દ્વારા કરવામાં આવેલી RTIમાં સામે આવેલી માહિતીમાં છેલ્લા 14 વર્ષમાં 211 જેટલી PIL કરવામાં આવી છે. દર વર્ષે સરેરાશ 15 જેટલી PIL થાય છે અને તે મુજબ દર 24 દિવસે એક PIL કોર્પોરેશન સામે થઈ રહી હોવાનું જણાય છે.
AMC ને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય
અતિક સૈયદે HD ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાયાની સુવિધાઓ એટલે પીવાનું પાણી, કચરાનો નિકાલ, સુએઝનો નિકાલ, રોડ રસ્તાઓની સાફ સફાઈ, જાહેર શૌચાલય, નવા રોડ રસ્તા બનાવવા, આગ ઓલવા માટે અગ્નિશામક દળ રાખવા, સાર્વજનિક દવાખાનાઓ બાંધવા, અંધારું ન રહે તે માટે જાહેર રોડ રસ્તા ઉપર લાઈટની વ્યવસ્થા કરવી, જમીન સંપાદન કરવી, રખડતા ઢોર પૂરવા, પ્રાથમિક શિક્ષણ માટે શાળાઓ નિભાવવા, ગેરકાયદેસર બાંધકામ ઉપર કાર્યવાહી કરવી, જન્મ મૃત્યુનું રજિસ્ટ્રેશન કરવું, બ્રિજ -અંડરપાસ બાનવવા, વરસાદી પાણીનનો નિકાલ કરવો, ભયંકર રોગો અટકાવવા, શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય જાળવવા અને શહેરના વિકાસના તમામ કાર્ય કરવાના હોય છે.
2013માં સૌથી વધુ 28 અરજી તેમજ 2010માં 6 જેટલી
સૌથી વધુ અરજી 2013માં 28 જાહેરહિતની અરજી થઈ હતી. જ્યારે સૌથી ઓછી જાહેરહિતની અરજી 2010માં 6 જેટલી થઈ હતી. ગત વર્ષ એટલે કે 2023માં પણ કોર્પોરેશન સામે વર્ષ દરમિયાન 10 જેટલી PIL થઈ હોવાનું RTI અંતર્ગત સામે આવ્યું છે. આમ, 14 વર્ષની 211 જેટલી જાહેરહિતની અરજીને જોતા સરેરાશ દરવર્ષે 15 જેટલી PIL કોર્પોરેશન સામે થઈ છે. આમ, છેલ્લા 14 વર્ષથી દર 24માં દિવસે કોર્પોરેશન સામે એક જાહેરહિતની અરજી થઈ રહી હોવાનું જાણવા મળે જાહેરહિતની અરજી થઈ રહી હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક સુવિધાઓ આપવા છતાં AMC ફરજમાં નિષ્ફળ
છેલ્લા 14 વર્ષના સમયગાળા દરમિયાન કોર્પોરેશન સામે હાઈકોર્ટમાં 211 જેટલી જાહેરહિતની અરજી નાગરિકો દ્વારા કરવામાં આવી છે. આમ, અઢળક PIL થયેલી હોવાનું જ સાબિત કરે છે કે કોર્પોરેશન પોતાની ફરજમાં નિષ્ફળ નિવડ્યું છે. કોર્પોરેશન સામે નાગરિકોએ જુદાજુદા 50 જેટલા મુદ્દાઓને લઈને જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.