આગામી પહેલી મેથી શરૂ થનારી ડેફલિમ્પિક્સ 2021 ભારતીય રમત વીરો થનગની રહ્યા છે અને ટીમનાં પ્રસ્થાન પહેલા ભારતીય ટીમનો જૂસ્સો વધારવા સાથે સાથે કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ટીમ ઇન્ડિયાને હાર્દિક શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે યુવા અને રમતગમત રાજ્ય મંત્રી નિસિથ પ્રામાણિક અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, બ્રાઝિલના કેક્સિયાસ દો સુલમાં આયોજિત થનારી ડેફલિમ્પિક્સમાં ભારતના કુલ 65 એથ્લેટ ભાગ લેશે. જે ડેફલિમ્પિક્સમાં ભાગ લેનારી ભારતની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી યુવા ટીમ બનશે. આ રમતવીરો કુલ 11 સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. જેમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, જુડો, ગોલ્ફ, કરાટે, શૂટિંગ, સ્વિમિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, તાઈકવૉન્ડો અને કુસ્તીનો સમાવેશ થાય છે.
ડેફલિમ્પિક્સ 1 મે થી 15 મે દરમિયાન યોજાવાની છે. ટીમને શુભકામનાઓ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, દેશના તમામ લોકો વતી, હું તમને બધાને મારી શુભેચ્છાઓ આપું છું. તેની સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે, તમે ડેફલિમ્પિક્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામીને તમારી મહાન ક્ષમતા બતાવી દીધી છે. આ સૌથી મોટી ટીમ હોવાથી મને વિશ્વાસ છે કે આપણે બ્રાઝિલમાં સૌથી વધુ મેડલ પણ મેળવીશું. અને ભારત રમત જગતની આગામી મોટી મહાસત્તા બનશે. પછી તે ઓલિમ્પિક્સ હોય, પેરાલિમ્પિક્સ હોય કે ડેફલિમ્પિક્સ હોય. ભારતને હવે કોઈ રોકી શકશે નહીં. આ સદી આપણી છે અને આપણે તમામ રમતના મેદાનો પર ભારતનો ધ્વજ લહેરાવતા રહીશું.
કેન્દ્રીય મંત્રીએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ધ ડેફ સ્પોર્ટ્સ (AISCD) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) દ્વારા રમતવીરોને અપાતા સમર્થન વિશે પણ વાત કરી હતી. AISCD અને SAI બંનેએ એથ્લેટ્સને ઘણો ટેકો આપ્યો છે. ડેફલિમ્પિક્સમાં ભાગ લેનારા એથ્લેટ્સ માટે 30 દિવસીય રાષ્ટ્રીય કોચિંગ કેમ્પનું આયોજન SAI ના તમામ કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. આ સિવાય SAI એ એથ્લેટ્સ માટે કિટ્સનું વિતરણ, ડેફલિમ્પિક્સ માટે ઔપચારિક પોશાક તેમજ તેમના રહેવા, ભોજન અને પરિવહન જેવી બધી જ વ્યવસ્થા કરી છે. આ ટીમ ભારતના યુવાનોને કેવા પ્રકારની પ્રેરણા પૂરી પાડી શકે છે તેનો ઉલ્લેખ કરતાં નિસિથ પ્રામાણિકે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપણા રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરની વિઝન મુજબ દેશમાં આદર્શ રમતગમતનું વાતાવરણ છે. આપણા વડાપ્રધાનનું ‘ચીયર ફોર ઈન્ડિયા’નું આહ્વાન ગેમ ચેન્જર સાબિત થયું છે.