ગુજરાતઃ ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલા ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે ખાસ સમાચાર
- ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરીટી ઑફ ઈન્ડિયા FSSAI દ્વારા વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત લંબાવવામાં આવી
- લંબાવવામાં આવેલી મુદત સુધીમાં પણ રિટર્ન નહીં ભરનારે ત્યારપછી પ્રતિદિન રૂ. 100ના દંડ સાથે રિટર્ન ભરવું પડશે
ગાંધીનગર, 12 જૂન, 2024: ગુજરાતમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલા ઉત્પાદકો, રિ-પેકર્સ, રિ-લેબલર્સ ફોર્મ- ડી-૧માં વાર્ષિક રિટર્ન તા.૩૧ મે સુધીમાં ભરવું ફરજિયાત હતું, પરંતુ આ મુદત હવે લંબાવવામાં આવી છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના કમિશનર ડૉ. એચ. જી કોશિયા એ જણાવ્યું છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરીટી ઑફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા વાર્ષિક રિટર્ન ભરવા માટેની મુદત તા. ૩૦ જૂન સુધી લંબાવવામાં આવી છે. ૩૦ જૂન બાદ પણ રિટર્ન ભરવામાં વિલંબ થશે તો તમામ ખાધ પદાર્થ ઉત્પાદન કર્તાઓએ પ્રતિદિન રૂ. ૧૦૦/- પેનલ્ટી ભરી વાર્ષિક રિટર્ન ભરી શકાશે. આથી, તમામ વેચાણકર્તાઓને પેનલ્ટી ન ભરવી પડે તે હેતુથી સમયસર વાર્ષિક રિટર્ન ભરી શકાય તે માટે તંત્ર દ્વારા ૩૦ જૂન સુધીમાં રિટર્ન ભરવા તાકીદ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પર પોતના લાયસન્સ નંબર દ્વારા લોગ-ઈન કરી વાર્ષિક રિટર્ન ભરી શકશે. ખાધ પદાર્થનાં વેચાણ માટેના ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, રિટેઈલર, હોલસેલર, સંગ્રહકર્તા, ટ્રાન્સપોર્ટરને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરીટી ઑફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા રાષ્ટ્રીય કક્ષાની એડવાઈઝરી કમિટીની મીટિંગમાં તાકીદ કરવામાં આવેલી કે ખોરાકનાં વેપાર સાથે સંકળાયેલા ઉત્પાદકોએ મેળવેલા લાયસન્સ અંતર્ગત પેઢીનાં ઉત્પાદન અંગેનું ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ- ૨૦૦૬ અને (લાયસન્સીંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન- ૨૦૧૧ હેઠળ ઓનલાઈન વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા : ડીસા માર્કેટયાર્ડ મગફળીથી ઉભરાયું,40 હજાર ઉપરાંત બોરીની આવક