આજની મેચ પહેલા ટીમ ઇન્ડિયા સામે સળગતો સવાલ: શિવમ દુબેનું શું કરવું?
12 જૂન , અમદાવાદ: ટીમ ઇન્ડિયા આ ICC T20 World Cupમાં હજી બે મેચ રમી છે. આયરલેન્ડ સામે ટીમ આરામથી જીતી ગઈ હતી જ્યારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે મેચના છેક છેલ્લા બોલે વિજય મળ્યો હતો. પરંતુ આ બંને મેચમાં ટીમ ઈન્ડિયાને એક પ્રશ્ન સતત મૂંઝવી રહ્યો હતો કે શિવમ દુબેનું શું કરવું?
શિવમ દુબેના ટેલેન્ટ અને તેના સ્ટ્રોક્સની રેંજ વિશે કોઈને પણ શંકા નથી, પરંતુ અત્યારે તેની હાલત દશેરાના દિવસે ઘોડું ન દોડે એ પ્રકારની છે. જો આપણે આપણી યાદશક્તિને એકાદ મહિનો પાછળ લઇ જઈએ તો જ્યારે IPL 2024 ચાલી રહી હતી ત્યારે જ આ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થયું હતું જેમાં શિવમ દુબે પણ સામેલ હતો.
પરંતુ એ દિવસ છે અને આજનો દિવસ છે શિવમ દુબેનું ફોર્મ ક્યાંક ખોવાઈ ગયું છે. એ હકીકત આશ્ચર્ય પમાડે છે કે જ્યાં સુધી શિવમ દુબેનું સિલેક્શન આ વર્લ્ડ કપ માટે જાહેર નહોતું થયું ત્યાં સુધી તેનું ફોર્મ IPLમાં જબરદસ્ત રહ્યું હતું અને તે બોલરોને ચારેકોર ફટકારતો હતો. પરંતુ જેવું તેનું વર્લ્ડ કપમાં સિલેક્શન જાહેર થયું કે પછીની જ સળંગ બે મેચોમાં તે પહેલા બે બોલ્સ પર જ આઉટ થઇ ગયો અને ત્યારબાદ તેનું ફોર્મ સતત કથળતું રહ્યું છે.
આટલું ઓછું હોય તેમ વર્લ્ડ કપની શરૂઆતની બંને મેચોમાં તેણે નહીવત પ્રભાવ પાડ્યો છે અને પાકિસ્તાન સામે તો તેણે મોહમ્મદ રિઝવાનનો સરળ કેચ ફાઈન લેગ બાઉન્ડ્રી પર છોડી દીધો હતો. રિઝવાન મેચ જીતાડી શકે તેવી ક્ષમતા ધરાવતો ખેલાડી છે પરંતુ શિવમ દુબે અને ટીમ ઇન્ડિયાના સદનસીબે તે દિવસે એવું કશું થયું નહીં
પરંતુ એ પ્રશ્નતો ઉભો જ છે કે શિવમ દુબેનું શું કરવું? કારણકે તેને કારણે હાલમાં સ્કવોડમાં રહેલા યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને બહાર બેસી રહેવું પડ્યું છે. આ બંને એવા બેટ્સમેન છે જે ગમે તે નંબરે આવીને સારી બેટિંગ કરી શકે છે. તો જ્યારથી ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ સ્કવોડની ઘોષણા થઇ છે ત્યારથી રીંકુ સિંઘ અને શુભમન ગિલને કેમ રિઝર્વમાં બેસાડવામાં આવ્યા એવો પ્રશ્ન પણ ટીમના ચાહકો વારંવાર કરી રહ્યા છે.
જ્યારે જયસ્વાલ અને સેમસન જેવા સ્કવોડની અંદર રહેલા ખેલાડીઓ અને ગિલ અને રીંકુ જેવા રિઝર્વમાં રહેલા ખેલાડીઓ શિવમ દુબે કરતાં અત્યારે સારું પ્રદર્શન કરી શકે છે ત્યારે રોહિત શર્મા ક્યાં સુધી શિવમ દુબેની રાહ જોશે તે જોવું રસપ્રદ બની રહેશે.