12 જૂન, દોહા (કતર): કતર સામેની એક અતિશય મહત્વની મેચમાં રેફરીની ચીટીંગને કારણે ભારત કતર સામે 2-1થી હારી ગયું હતું. ભારત અને કતર બંને માટે આ મેચ એટલા માટે મહત્વની હતી કે આ મેચમાં જીત તેમની ટીમને પોઈન્ટ્સ ટેબલ પર સહુથી ઉપર લાવત અને તેઓ FIFA World Cup 2026ના આગલા ક્વોલિફાયર રાઉન્ડ માટે ક્વોલીફાય થઇ જાત.
જો ભારત આ મેચ જીતી જાત તો દેશનાં ફૂટબોલ ઇતિહાસમાં એવું પહેલીવાર બનત કે ભારતની ફૂટબોલ ટીમ FIFAના મેઈન ક્વોલીફાયિંગ રાઉન્ડ સુધી પહોંચત. પરંતુ એ શક્ય ન બન્યું અને મેચ રેફરી રીતસર કતરની તરફેણમાં હોય એવો નિર્ણય તેણે આપ્યો હતો. જ્યારે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો ત્યારે દેશભરના ફૂટબોલ ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે આ અન્યાયનો પડઘો સોશિયલ મીડિયામાં પાડ્યો હતો.
આ વિવાદાસ્પદ ઘટના ત્યારે બની હતી જ્યારે ભારત કતરથી 1-0થી આગળ હતું. મેચની 73મી મિનીટમાં કતરના યોસેફ અયમાને ગોલ કર્યો હતો અને પોતાની ટીમને 1-1ની બરોબરી પર લાવી દીધી હતી. પરંતુ જ્યારે ટીવી રિપ્લે દેખાડવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે મેચ રેફરીની ચીટીંગને કારણે ભારત પાસેથી આ મેચ છીનવી લેવાનો પ્રયાસ થયો છે.
કતરના ફૂટબોલર દ્વારા મારવામાં આવેલા બોલને ભારતીય ગોલકીપરે આબાદ રોકી લીધો હતો અને બોલ ફિલ્ડની બહાર જતો રહ્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કતરના ખેલાડી દ્વારા ફિલ્ડની બહાર જતા રહેલા બોલને બેક કિક મારીને રમતમાં પાછો લાવવામાં આવ્યો હતો. ભારતનો ગોલકીપર તે સમયે ફિલ્ડની બહાર હોવાને કારણે ગોલ પોસ્ટ એકદમ નોધારી હતી અને તેનો લાભ લઈને યોસેફ અયમાને ગોલ કરી દીધો હતો.
આ ચીટીંગની નોંધ ન તો લાઈન અમ્પાયરે લીધી કે મેઈન રેફરીએ. ભારતીય ટીમના સભ્યો અને કેપ્ટને જોરશોરથી આ ચીટીંગને ઉઘાડી પાડી હતી પરંતુ મેચ રેફરીએ તેમના વાંધાને સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. છેવટે મેચની 85મી મિનીટમાં કતરે બીજો ગોલ કરીને મેચ જીતી લીધી હતી.
We’ll leave it here!#INDQAT #IndianFootball pic.twitter.com/5KhtyOfrvS
— FanCode (@FanCode) June 11, 2024
સ્વાભાવિક છે કે જ્યારે ટીમ ઇન્ડિયા મેચમાં લીડ કરી રહી હતી અને મેચ જીતવાના તેના સંપૂર્ણ ચાન્સ હતા એવામાં ચીટીંગ દ્વારા કતરને ગોલ આપી દેવામાં આવે તો પછી સમગ્ર ટીમ માનસિક રીતે ભાંગી પડી હશે અને પરિણામે તે બીજો ગોલ ડીફેન્ડ ન કરી શકી અને મેચ હારી ગયું.
આ વિવાદાસ્પદ ગોલનો વિડીયો સોશિયલ મીડિયામાં તુરંત વાયરલ થઇ ગયો હતો અને ફૂટબોલ ચાહકોએ મેચ રેફરી તેમજ કતરની ટીમ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો.