ગુજરાતમધ્ય ગુજરાત

ચૈતર વસાવાની ઓફિસ બહાર પોલીસકર્મીએ નશાની હાલતમાં પેશાબ કર્યો, જેલ હવાલે કરાયો

Text To Speech

નર્મદા, 11 જૂન 2024, લોકસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચે માથાકૂટ થયાનો વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો. ત્યારે ગતરાત્રે ચૈતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો હતો. ચૈતર વસાવાની ઓફિસ બહાર પેશાબ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન લઈ જતાં ત્યાં પણ મૂછ મરડીને રોફ જમાવ્યો અને પોલીસ પર હાથ ઉગામ્યો હતો.

ચૈતર વસાવા અને તેમનાં પરિવારજનોને બિભત્સ શબ્દો કહ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાએ ગતરાત્રે ડેડિયાપાડાના લીમડાચોક વિસ્તારમાં આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલયે ચિક્કાર નશાની હાલતમાં પેશાબ કરી ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમનાં પરિવારજનોને બિભત્સ શબ્દો કહ્યા હતા.નશાની હાલતમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ચિચિયારીઓ પાડતો હતો. આ મામલે લોકો એકઠા થઈ વીડિયો ઉતારવા લાગ્યા હતા. જેથી તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આ સમગ્ર બાબતે ડેડિયાપાડા પોલીસને જાણ કરતાં પોલીસે નશામાં ધૂત પ્રદીપ વસાવાને પોલીસ મથકમાં લઈ ગયા હતા.

પોલીસે કોન્સ્ટેબલને કાબૂમાં લઈ જેલ હવાલે કર્યો
પ્રદીપ અમરસિંહ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં પણ મોટી મોટી ચિચિયારીઓ પાડી અપશબ્દો બોલી આખું પોલીસ મથક માથે લીધું હતું. નશામાં ધૂત હેડ કોન્સટેબલે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી મૂછ મરડીને રોફ જમાવ્યો હતો. તેણે પોલીસ પર પણ હાથ ઉગામ્યો હતો. પોલીસે તેને કાબૂમાં લઈ જેલ હવાલે કર્યો હતો.આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાને મેડિકલ ટેસ્ટ માટે જવાયો હતો. ત્યાર બાદ પ્રદીપના બ્લડ સેમ્પલ FSL ખાતે ચકાસણી માટે મોકલી અપાયાં છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃગેનીબેન ગુરૂવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે, વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટશે

Back to top button