શું અમ્પાયરના નિર્ણયને કારણે બાંગ્લાદેશ સાઉથ આફ્રિકા સામે હારી ગયું? – જાણો LBWનો નિયમ શું કહે છે
11 જૂન, અમદાવાદ: ગઈકાલે સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ICC T20 World Cup 2024ની એક મહત્વની મેચમાં એક વિવાદ ઉભો થયો હતો. મેચ સાઉથ આફ્રિકા ફક્ત 4 રને જીત્યું હતું પરંતુ અમ્પાયરના એક નિર્ણયને લીધે બાંગ્લાદેશના ક્રિકેટરો અને ફેન્સ આ મેચ હાર્યા છે એવું માને છે. તો ચાલો જાણીએ આ વિવાદને અનુલક્ષીને LBWનો નિયમ શું કહે છે.
LBWનો નિયમ જાણીએ એ પહેલાં એ જાણી લઈએ કે આ આખો વિવાદ ઉભો કેવી રીતે થયો. તો બાંગ્લાદેશની બેટિંગની 17મી ઓવર જે સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ઓટ્ટનીલ બાર્ટમેન નાખી રહ્યો હતો અને મહમદુલ્લા તેનો સામનો કરી રહ્યો હતો, ત્યારે બોલ પેડને અડ્યો હતો અને બોલરે તે માટે અમ્પાયરને અપીલ કરી હતી. બોલ તો પેડને અડીને ફાઈન લેગ બાઉન્ડ્રી ક્રોસ કરી ગયો હતો પરંતુ અમ્પાયરે મહમદુલ્લાને આઉટ આપ્યો હતો.
પરંતુ અમ્પાયરના આ નિર્ણયનો વિશ્વાસ ન કરતાં મહમદુલ્લાએ DRSની મદદ લીધી હતી. દરેક અપીલ અને હોકઆઈના ઉપયોગ બાદ થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય બદલી નાખીને મહમદુલ્લાને નોટ આઉટ જાહેર કર્યો હતું. આથી પેલા ચાર રન ગણતરીમાં લેવામાં આવ્યા ન હતા અને મેચ આગળ વધી હતી.
પરંતુ, જ્યારે આ મેચનું પરિણામ આવ્યું ત્યારે બાંગ્લાદેશ ફક્ત 4 રને જ આ મેચ હારી ગયું હતું. આથી બાંગ્લાદેશી ખેલાડીઓ, કેપ્ટન અને ફેન્સ એવું માની રહ્યા છે કે જો પેલા 4 રન્સ તેમને મળી ગયા હોત તો તેઓ આ મેચ એટલીસ્ટ ટાઈ કરી શક્યા હોત અને સુપર ઓવર દ્વારા તેમને મેચ જીતવાની બીજી તક મળી હોત. બાંગ્લાદેશી ખેલાડીઓ અમ્પાયરની આ બાબતે ટીકા પણ કરી રહ્યા છે.
પરંતુ જો LBWનો નિયમ જોવા જઈએ તો તે એવું કહે છે કે જ્યારે LBWની અપીલ કરવમાં આવે અને ઓન ફિલ્ડ અમ્પાયર તેનો નિર્ણય હા કે ના માં આપે કે તરત જ બોલ ડેડ થઇ જાય છે જો રિવ્યુ લેવામાં આવે તો. અહીં પણ એવું જ થયું હતું. બોલ ભલે મહમદુલ્લાના પેડને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો પરંતુ ઓન ફિલ્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો એ જ સેકન્ડે બોલ ડેડ જાહેર થઇ ગયો હતો.
આથી ડેડ બોલ પર એક પણ રન મળતો નથી અને તે અનુસાર મહમદુલ્લાના પેડથી મળેલી બાઉન્ડ્રીને બાંગ્લાદેશના કુલ ટોટલમાં ન ગણવામાં આવી તે યોગ્ય જ છે.