છત્તીસગઢમાં સતનામી સમુદાયે કલેક્ટર ઓફિસ સળગાવી, પોલીસ અને લોકો વચ્ચે હિંસક અથડામણ
- સતનામી સમુદાયના લોકો વિરોધ કરવા બલોદા બજાર જિલ્લા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક વિરોધ હિંસક બની ગયો હતો જે બાદ હજારો લોકોએ કલેક્ટર ઓફિસને ઘેરી લીધી હતી અને તેને સળગાવી દીધી
બલોદા, 10 જૂન: છત્તીસગઢના બલોદા બજારની કલેક્ટર ઓફિસનો હજારો સતનામી સમુદાયના લોકોએ વિરોધ કરી ઘેરાવ કર્યો હતો, ત્યાર બાદ સતનામી સમાજનો વિરોધ ઉગ્ર બન્યા બાદ બેકાબૂ ટોળાએ કલેક્ટર કચેરીને આગ લગાવી દીધી હતી. બેકાબૂ ટોળા દ્વારા લગાવેલી આગે ભારે સ્વરુપ ધારણ કર્યું હતું અને કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન અને તહસીલ કચેરીમાં ભારે આગ લાગી હતી. જ્યારે પોલીસે વિરોધ કરી રહેલા ટોળાને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ પોલીસને જ માર મારવાનું શરુ કર્યું હતું. આ લડાઈમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે.
જૈતખામમાં ડિમોલિશનને લઈને સતનામી સમુદાય લાંબા સમયથી પ્રશાસનથી નારાજ છે અને આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે. સતનામી સમાજના હજારો લોકો સોમવારે કલેક્ટર કચેરીએ આ માંગણીનો વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન હજારો લોકો એકઠા થયા હતા. પરંતુ, જ્યારે મામલો થાળે પડ્યો ન હતો, ત્યારે તેઓ સુરક્ષા કોર્ડન તોડી અંદર પ્રવેશ્યા હતા. સતનામી સમુદાયના બેકાબૂ લોકોએ સુરક્ષામાં લાગેલા પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો. ઓફિસની બહાર લગભગ 3-4 હજાર લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ટોળાએ કલેક્ટર કચેરીને આગ લગાવી દીધી હતી અને બહાર પાર્ક કરાયેલા અનેક વહીવટી વાહનોમાં પણ આગ લગાવી દીધી હતી.
Baloda Bazar, Chhattisgarh: Protesters vandalize collectorate in anger over Amar Gufa and Jaithkham destruction. About 3 dozen motorcycles, a dozen cars damaged. Police encounter stone-pelting, causing injuries pic.twitter.com/03RtgZ6uIg
— IANS (@ians_india) June 10, 2024
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન વિજય શર્માએ સતનામી સમુદાયના રોષને ધ્યાનમાં રાખીને જૈતખામમાં તોડફોડની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે. જો કે, સતનામી સમુદાય આ કૃત્ય કરનારાઓ સામે સીબીઆઈ તપાસની માંગ પર અડગ છે.
સતનામી કેમ ગુસ્સે છે?
સંત અમરદાસનું મંદિર બાલોડા બજારમાં ગીરૌદપુરીના મહકોની ગામમાં આવેલું છે. અહીં સતનામી સમુદાયના પવિત્ર પ્રતીક ગણાતા જૈતખામને કેટલાક બદમાશોએ કાપી નાખ્યો હતો. જેના કારણે સમગ્ર સતનામી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ તેમણે જૈતખામ કાપનારા ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આ મામલામાં કેટલાક લોકોની અટકાયત પણ કરી છે પરંતુ સતનામી સમુદાયના લોકો પ્રશાસનની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. જેના કારણે આજે હજારો સતનામીઓ વિરોધ કરવા એકત્ર થયા હતા.
જૈતખામ શું છે?
છત્તીસગઢમાં સતનામી સમુદાયના લાખો લોકો રહે છે. રાયપુર અને તેની આસપાસના ઘણા ગામોમાં સતનામી સમુદાયના લોકોએ પોતાના ધાર્મિક સ્થળો પણ બનાવ્યા છે. તે બધા માટે જૈતખામ એક પવિત્ર પ્રતીક છે જેની તેઓ દરરોજ પૂજા કરે છે. જ્યાં જ્યાં સતનામી સમાજના લોકો રહે છે, ત્યાં જૈતખામની સ્થાપના થાય છે. જો આપણે રાયપુરની વાત કરીએ તો અહીં સતનામી સમુદાયના લોકો દ્વારા 100 થી વધુ જૈતખામની સ્થાપના કરવામાં આવી છે. જૈતખામ ઉપર સફેદ ધ્વજ ફરકાવવામાં આવે છે.
આ પણ વાંચો: મુંબઈ કસ્ટમ્સે દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો, 4600 લેપટોપ અને 32 કિલો સોનું જપ્ત